ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામેથી મસમોટું શંકાસ્પદ દૂધનું કૌભાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અહીં સ્થળ પરથી 4,500 લિટર શંકાસ્પદ કેમિકલ અથવા ભેળસેળયુક્ત દૂધ ભરેલું એક ટેન્કર ઝડપાઈ ગયું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ દૂધના નેટવર્કનો પર્દાફાશ જાગૃત નાગરિકોની સતર્કતાને કારણે શક્ય બન્યો છે.
ઘટનાની જાણ થતાં જ રખિયાલ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે ટેન્કરને પોતાના કબ્જામાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી, રખિયાલ પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દૂધના જરૂરી સેમ્પલો મેળવી લીધા છે. આ સેમ્પલ્સને પૃથક્કરણ અને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ દૂધમાં કયા પ્રકારની ભેળસેળ હતી તેની સત્તાવાર વિગતો બહાર આવશે. જોકે, સામેત્રી ગામેથી પકડાયેલા આ શંકાસ્પદ દૂધના ટેન્કરના આધારે હવે રખિયાલ પોલીસે આખી સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ દૂધ અમરેલીથી કોણે મોકલ્યું હતું, રસ્તામાં ક્યાંય માલ ઉમેરવામાં આવ્યો હતો કે કેમ, અને ગાંધીનગર કે અમદાવાદના કયા વેપારીઓ કે ડેરીઓને આ દૂધ સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કૌભાંડ પાછળ મોટું નેટવર્ક કાર્યરત હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

