મહેશ ડોડીયા, ગીર સોમનાથગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મોડી રાત્રે તોફાની બેટિંગ કરતાં ઉના અને ગીર પંથકમાં જાણે આભ ફાટ્યું હોય તેવો વરસાદ વરસ્યો હતો. માત્ર 12 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગીરના ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં અનેક નદીઓમાં પાણીની આવક વધી ગઈ હતી. ભારે વરસાદને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી, જોકે હાલ વરસાદનું જોર ઘટતાં સ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં આવી રહી છે.
નાના સમઢિયાળા ગામમાં પાણીના પ્રવાહમાં લાકડાની બે દુકાનો તણાઈ જતાં વેપારીઓને નુકસાન થયું હતું. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી અને નદીનું પાણી ઘૂસી જતાં ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ હતી. અચાનક આવેલા પૂરના કારણે લોકો ઘરનો સામાન બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. અનેક પરિવારોને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હોવાનું સામે આવ્યું છે.
જોકે હાલ વરસાદનું જોર ધીમું પડતાં સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી-નાળા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

