જો તમે ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે અને સાથે જ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ પણ જાહેર કરી છે. એક ખાસ કેટેગરીના ઉમેદવારોને મોટી રાહત પણ આપવામાં આવી છે.23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે લેખિત પરીક્ષા, 17 ઓગસ્ટથી કોલ લેટર ઉપલબ્ધ ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ ભરતીની લેખિત પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
વિવિધ ટેક્નિકલ પદો માટે ચાલી રહી છે ભરતી પ્રક્રિયા
આ ભરતી અભિયાન હેઠળ કુલ અનેક ટેક્નિકલ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની 172 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની 35 જગ્યાઓ તેમજ હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-1ની 45 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ તમામ પદો માટેની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટે યોજાશે, જેના કારણે ઉમેદવારોમાં તૈયારીઓને અંતિમ તબક્કે પહોંચાડવાની હલચલ શરૂ થઈ ગઈ છે.
કોમન ઉમેદવારોને ભરતી બોર્ડની મોટી રાહત
ભરતી બોર્ડે ઉમેદવારોને મહત્વપૂર્ણ રાહત પણ આપી છે. જે ઉમેદવારોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-1 એમ બંને ભરતી માટે અરજી કરી છે, તેઓને અલગ-અલગ કેન્દ્ર પર જવાની જરૂર રહેશે નહીં. આવા ઉમેદવારો બંને પરીક્ષા માટે એક જ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહી શકશે. આ નિર્ણયથી ઉમેદવારોને મુસાફરી અને સમય બંનેની બચત થશે. બોર્ડે આવા કોમન ઉમેદવારોની સત્તાવાર યાદી પોતાની વેબસાઇટ પર પણ જાહેર કરી છે.
10 ઓગસ્ટ સુધી રજૂઆત કરવાની તક
ભરતી બોર્ડે જણાવ્યું છે કે જો કોઈ પાત્ર ઉમેદવારનું નામ કોમન ઉમેદવારોની યાદીમાં સામેલ ન થયું હોય, તો તેઓ 10 ઓગસ્ટે સાંજે 5:00 વાગ્યા સુધી ભરતી બોર્ડ સમક્ષ લેખિત રજૂઆત કરી શકે છે. ત્યારબાદ જરૂરી ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોએ OJAS અને ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર રાખવાની સાથે સમયમર્યાદામાં તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી પરીક્ષા સંબંધિત કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

