ગુજરાતમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે સરકારી પ્રોત્સાહનો માત્ર કાગળ પૂરતા જ રહ્યા? એક તરફ મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ સરકારના તાજેતરના આંકડાઓ ચોંકાવનારી હકીકત સામે લાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા સંચાલિત 748 MSME સત્તાવાર રીતે બંધ થઈ ગયા છે. એટલું જ નહીં, PMEGP હેઠળ મળતી સહાયમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે મહિલા ઉદ્યોગસાહસિકો માટે પડકારો વધ્યા હોવાનું સામે આવ્યું છે.
ભારત સરકારે જાહેર કરેલા અહેવાલ મુજબ, વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન ગુજરાતમાં મહિલા સંચાલિત કુલ 748 MSMEના રજિસ્ટ્રેશન રદ થયા છે, એટલે કે આ એકમો બંધ થઈ ગયા છે. મહિલા સંચાલિત MSMEની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં પાછળ રહ્યું છે અને હાલમાં 9મા ક્રમે છે. મહારાષ્ટ્ર આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જ્યારે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને બિહાર જેવા રાજ્યો પણ ગુજરાત કરતાં આગળ છે. મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપતી વિવિધ નીતિઓ હોવા છતાં તેનો લાંબા ગાળાનો લાભ અપેક્ષા મુજબ જોવા મળ્યો નથી.
PMEGP સહાય અને રોજગારીમાં પણ મોટો ઘટાડો
અહેવાલ મુજબ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ સહાય મેળવનારા મહિલા સંચાલિત સૂક્ષ્મ ઉદ્યોગોની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 65 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021-22માં 2,512 એકમોને સહાય મળતી હતી, જે વર્ષ 2025-26માં ઘટીને માત્ર 901 રહી ગઈ છે. આ સાથે રોજગારી સર્જનમાં પણ લગભગ 35 ટકાનો ઘટાડો થયો છે. પાંચ વર્ષ પહેલાં 20,096 લોકોને રોજગાર મળતો હતો, જે હવે ઘટીને 7,208 રહ્યો છે. ઉપરાંત મહિલા ઉદ્યોગો માટે આપવામાં આવતી માર્જિન મની સબસિડીમાં પણ અંદાજે રૂ. 81.21 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે મહિલા ઉદ્યોગસાહસિકોને વધુ મજબૂત સહાય અને નીતિગત ટેકાની જરૂરિયાત ઉભી થઈ છે.

