ગુજરાત સરકારે રાજ્યમાં ઉંદર તથા અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતા ગ્લુ ટ્રેપ (સ્ટીકી બોર્ડ્સ)ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ અથવા વેપારી ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરી શકશે નહીં.
સરકારના જણાવ્યા મુજબ ગ્લુ ટ્રેપ પર ખૂબ જ મજબૂત અને લાંબા સમય સુધી ચોંટેલો રહેતો કેમિકલ ગુંદર લગાડવામાં આવે છે. જ્યારે કોઈ ઉંદર, પક્ષી અથવા અન્ય નાનું પ્રાણી તેના પર ફસાય છે ત્યારે તે બહાર નીકળવા માટે સતત સંઘર્ષ કરે છે, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચે છે. અંતે આવા જીવો ભૂખ, તરસ, ગૂંગળામણ અને અસહ્ય પીડાના કારણે મૃત્યુ પામે છે. આ પ્રક્રિયા 'પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960'ની કલમ 11(1)નો ભંગ ગણાય છે. ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ (AWBI)ની માર્ગદર્શિકાઓમાં પણ ગ્લુ ટ્રેપના ઉપયોગને ગેરકાનૂની અને અમાનવીય ગણાવવામાં આવ્યો છે.હાઈકોર્ટની ટકોર બાદ સરકારે લીધાં કડક પગલાં
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉના પરિપત્રો હોવા છતાં રાજ્યમાં ગ્લુ ટ્રેપનું ઉત્પાદન અને વેચાણ યથાવત ચાલુ હતું. આ મામલે હાઈકોર્ટે માત્ર સૂચનાઓ પૂરતી ન હોવાનું કહી રાજ્ય સરકારને કડક અમલીકરણ માટે પગલાં લેવા જણાવ્યું હતું. ત્યારબાદ ગૃહ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગની સંયુક્ત બેઠક યોજાઈ હતી. તેના આધારે સરકારે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ સહિત વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ગ્લુ ટ્રેપનું લિસ્ટિંગ દૂર કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તમામ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશનો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેની ખરીદી અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિયમભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ-163 અને ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ-223 હેઠળ ગુનો નોંધવામાં આવશે. જિલ્લા પોલીસ તેમજ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (SPCA)ને ફરિયાદો સ્વીકારી કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. વેપારીઓને તાત્કાલિક ગ્લુ ટ્રેપનું વેચાણ અને સંગ્રહ બંધ કરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે સામાન્ય નાગરિકોને પણ ઉંદર નિયંત્રણ માટે પરંપરાગત પાંજરાં અથવા અહિંસક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાની અપીલ કરવામાં આવી છે.

