Dailyhunt
ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: ભરઉનાળે મિની વાવાઝોડા સાથે માવઠું, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: ભરઉનાળે મિની વાવાઝોડા સાથે માવઠું, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

ગુજરાતમાં ગરમીના કહેર વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદી ઝાપટાં અને મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને ગાંધીનગર સહિતના 22 તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રીથી ક્યાંક ઠંડક પ્રસરી છે, તો ક્યાંક વિનાશના દ્રશ્યો જોવા મળ્યા છે.ભારે પવન અને કરા સાથે વરસાદપંચમહાલના ગોધરા અને બાલાસિનોરમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
બાલાસિનોરમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે બાયડમાં ફૂંકાયેલા અતિભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી. માહિસાગર અને પંચમહાલ પંથકમાં પવન એટલો તેજ હતો કે અનેક ઘરો પરથી પતરાં અને સોલર પેનલો હવામાં ઉડ્યા હતા.
ખેતીમાં વ્યાપક નુકસાનની ભીતિઆ કમોસમી વરસાદ સૌથી વધુ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. મહીસાગર જિલ્લામાં માવઠાને કારણે બાજરી સહિતના તૈયાર પાકો સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. બાલાસિનોરના દોલત પોરડા પંથકમાં પણ ખેતીને ભારે નુકસાન થયું છે. ભરૂચના જંબુસર અને કાવી-કંબોઈ જેવા દરિયાકાંઠાના ગામોમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભરઉનાળે પડેલા આ વરસાદને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

ગરમીથી રાહત પણ ચિંતા યથાવતબીજી તરફ, દાહોદ અને ફતેપુરામાં આકરી ગરમી વચ્ચે કાળાડિબાંગ વાદળો છવાતા અને ઠંડા પવન સાથે વરસાદ પડતા શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ માવઠું આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે હજુ પણ રાજ્યના કેટલાય ભાગોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati