Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, પણ મેઘમહેર યથાવત! 109 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં વરસ્યા સૌથી વધુ મેઘરાજા

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, પણ મેઘમહેર યથાવત! 109 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં વરસ્યા સૌથી વધુ મેઘરાજા

શું હવે ગુજરાતમાં ભારે વરસાદનો દોર પૂરો થયો? છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જોકે મેઘરાજાએ હજુ વિદાય લીધી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો સૌથી વધુ વરસાદ સાથે મોખરે રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ મહત્વની આગાહી કરી છે.
109 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 2.52 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ નાનાપોંઢામાં 2.13 ઈંચ અને ધરમપુરમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ખંભાત અને ડાંગમાં 1.42 ઈંચ, ભરૂચમાં 1.26 ઈંચ, પાદરામાં 1.06 ઈંચ, વાપીમાં 1.06 ઈંચ તેમજ ખેરગામમાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો હતો. કુલ 8 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે બાકીના 100 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
9 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાની શક્યતા છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે દરિયાકાંઠે 15થી 20 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે કેટલીક જગ્યાએ 25 નોટ સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે રાહતની વાત એ છે કે અગાઉ જાહેર કરાયેલી Port Warning LC3 હવે હટાવી લેવામાં આવી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati