ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને શોધીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે રાજ્ય સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના એક પાયાનો પથ્થર સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રમતગમતના સર્વાંગી વિકાસ માટે જે દ્રષ્ટિકોણ રાખ્યો હતો, તેને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ મળી રહી છે.
વર્ષ 2013-14 માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓને અભ્યાસની સાથે રમતનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ પસંદ થયેલા દરેક ખેલાડી પાછળ સરકાર વાર્ષિક અંદાજિત 1.68 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. જેમાં નિઃશુલ્ક શિક્ષણ, રહેઠાણ, પૌષ્ટિક આહાર, સ્પોર્ટ્સ કિટ અને નિષ્ણાત કોચિંગનો સમાવેશ થાય છે. આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં 'યંગ ટેલેન્ટ' અને 'પ્રુવન ટેલેન્ટ' એમ બે સ્તરે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે, જેથી પાયાના સ્તરેથી જ પ્રતિભાઓને ઓળખી શકાય. વૈજ્ઞાનિક અભિગમ સાથે આપવામાં આવતી આ તાલીમમાં ફિઝિયોથેરાપિસ્ટ, ડાયેટિશિયન અને યોગ ટ્રેનર્સની ભૂમિકા અત્યંત મહત્વની રહે છે, જે ખેલાડીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે.
DLSS યોજનાની સફળતાનું સૌથી તેજસ્વી ઉદાહરણ અર્જુન એવોર્ડ વિજેતા શૂટર ઇલાવેનિલ વાલરીવન છે. અમદાવાદના સાણંદ સ્થિત લક્ષ્મણ જ્ઞાનપીઠમાં તાલીમ મેળવનાર ઇલાવેનિલે તાજેતરમાં 2025 ની એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ઇલાવેનિલ જણાવે છે કે સાણંદમાં મળેલી આધુનિક શૂટિંગ રેન્જ અને નિષ્ણાત કોચિંગ તેની કારકિર્દી માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થયા હતા. તેમની આ સફર સાબિત કરે છે કે જો યોગ્ય સમયે સાધન-સુવિધા મળે તો ગુજરાતના ખેલાડીઓ ઓલિમ્પિક જેવા વિશ્વના સૌથી મોટા મંચ પર પણ પોતાની છાપ છોડી શકે છે.
આવી જ એક પ્રેરણાદાયી ગાથા ડાંગના બિલીઆંબા ગામની ઓપીનાબેન ભિલારની છે. આદિવાસી વિસ્તારમાંથી આવતી આ દીકરીએ DLSS યોજનાના સહારે ખો-ખો વર્લ્ડ કપ 2025 માં ગોલ્ડ મેડલ જીતવા સુધીની મજલ કાપી છે. ઓપીનાબેન અત્યારે પંચમહાલ જિલ્લામાં કોચ તરીકે ફરજ બજાવી રહી છે, જે આ યોજનાની બીજી એક સફળતા દર્શાવે છે કે આ યોજના માત્ર ખેલાડીઓ જ નથી તૈયાર કરતી, પરંતુ રમતગમત ક્ષેત્રે રોજગારીની તકો પણ ઉભી કરે છે. છેલ્લા બે વર્ષમાં આ યોજનાના ખેલાડીઓએ રાજ્ય સ્તરે 3444 અને રાષ્ટ્રીય સ્તરે 335 મેડલ્સ મેળવ્યા છે, જે ગુજરાતમાં બદલાતા સ્પોર્ટ્સ સિનારિયોની સાક્ષી પૂરે છે.
રાજ્યના 29 જિલ્લાઓમાં વિસ્તરેલી આ યોજનામાં હાલ 21 જેટલી વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ગુજરાત સરકારની આ મોડલ સ્કૂલ સિસ્ટમ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે કારણ કે તે ખેલાડીના ભવિષ્યની ચિંતા (શિક્ષણ) અને વર્તમાનની જરૂરિયાત (તાલીમ) વચ્ચે સંતુલન જાળવે છે. જેમ જેમ ગુજરાત 'સ્પોર્ટ્સ હબ' બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ DLSS જેવી યોજનાઓ પાયાના સ્તરે મજબૂત માળખું પૂરું પાડીને આવનારા વર્ષોમાં ભારતને આંતરરાષ્ટ્રીય મેડલ ટેલીમાં ટોચ પર લઈ જવા માટે સક્ષમ ખેલાડીઓની નવી પેઢી તૈયાર કરી રહી છે. આ યોજના માત્ર મેડલ જીતવા પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના યુવાનોમાં શિસ્ત અને ટીમ વર્ક જેવા મૂલ્યોનું સિંચન કરીને એક સશક્ત સમાજનું નિર્માણ પણ કરી રહી છે.

