ઉત્તર પ્રદેશના હાપુડમાં ફિલ્મી ઘટના જેવો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લગ્નની પહેલી જ રાત્રે દુલ્હને પતિને પોતાની નજીક આવતા અટકાવી દીધો હતો. દુલ્હને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું કોઈ બીજાની અમાનત છું અને તેના પર ફક્ત મારા પ્રેમીનો જ હક છે." આટલું જ નહીં, પતિએ જો તેને અડવાની કોશિશ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
શું હતો આખો મામલોગત 25 જૂન 2026ના રોજ હાપુડના એક યુવકના લગ્ન મેરઠની યુવતી સાથે ધામધૂમથી થયા હતા. સુહાગરાતના દિવસે જ્યારે પતિ રૂમમાં પહોંચ્યો, ત્યારે દુલ્હને તેને ધમકાવતા કહ્યું કે, "મને અડશો નહીં, હું બીજાની અમાનત છું." યુવતી તેના પરિવારની હાજરીમાં પણ તેના પ્રેમી સાથે ફોન પર વાત કરતી રહી. જ્યારે આ બાબતે યુવકે યુવતીના પિયર પક્ષને જાણ કરી, ત્યારે તેમણે કોઈ જવાબદારી લેવાને બદલે માત્ર કન્યા પાછી લાવવા કહી દીધું.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને, યુવકે 28 જૂનના રોજ દુલ્હનના પ્રેમીને હાપુડ બોલાવ્યો અને તેને સન્માનપૂર્વક દુલ્હન સોંપી દીધી. બાદમાં, કોઈ ખોટા કેસ કે કાયદાકીય ગૂંચવણથી બચવા માટે પીડિત યુવક અને તેના પિતાએ હાપુડના મહિલા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે. મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી અરુણા રાયે જણાવ્યું કે, યુવતી પોતાની મરજીથી પ્રેમી સાથે ગઈ છે અને બંને પક્ષોની સહમતિથી આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે.

