Dailyhunt
IITEનો 8મો દીક્ષાંત સમારોહ, રાજ્યપાલની ઉપસ્થિતિમાં 223 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી પદવી

IITEનો 8મો દીક્ષાંત સમારોહ, રાજ્યપાલની ઉપસ્થિતિમાં 223 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી પદવી

ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)નો 8મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે કુલ 223 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલે શિક્ષણને માત્ર આજીવિકા મેળવવાનું સાધન નહીં પરંતુ મનુષ્યને પશુતામાંથી મુક્ત કરી માનવતા તરફ દોરી જતી સાધના ગણાવી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે શિક્ષણમાં ભારતીય સંસ્કારો અને 16 સંસ્કારોની પરંપરાનો સમન્વય થાય છે, ત્યારે જ સાચા અર્થમાં 'મહામાનવ'નું નિર્માણ શક્ય બને છે.
શિક્ષણ જગતમાં આ સંસ્થાના પ્રદાનની સરાહના કરતા રાજ્યપાલે જણાવ્યું કે મનુષ્ય અને અન્ય જીવો વચ્ચેનો મૂળભૂત તફાવત કેવળ શિક્ષણ જ સ્પષ્ટ કરી શકે છે. અન્ય પ્રાણીઓ પાસે માત્ર જન્મજાત સ્વાભાવિક જ્ઞાન હોય છે, જ્યારે મનુષ્ય ગુરુના સાંનિધ્યમાં 'નૈમિત્તિક જ્ઞાન' મેળવી સૃષ્ટિના કલ્યાણમાં સહભાગી બને છે. તેમણે ગુરુને કુંભાર સાથે સરખાવતા કહ્યું કે જેમ કુંભાર કાચી માટીને સુંદર ઘાટ આપે છે, તેમ શિક્ષક બાળકના વ્યક્તિત્વને આકાર આપે છે. નોંધનીય છે કે આ પ્રસંગે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મજબૂત નેતૃત્વને કારણે નક્સલવાદ જેવી સમસ્યાઓ અંતિમ તબક્કામાં છે અને માર્ચ 2026 સુધીમાં તેને જડમૂળથી ઉખાડી ફેંકવાનો લક્ષ્‍યાંક સુરક્ષિત ભારત માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ નવસ્નાતકોને રાષ્ટ્ર નિર્માણના પવિત્ર 'કર્મમાર્ગ' પર ચાલવા આહ્વાન કર્યું હતું. તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું કે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને શ્રેષ્ઠ શિક્ષકો પૂરા પાડવાના ઉમદા આશય સાથે IITEની સ્થાપના કરી હતી, જે આજે 15 વર્ષના સફળ પ્રવાસ બાદ એક ઘટાદાર વટવૃક્ષ બની છે. સંસ્થાની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે આ વર્ષે 95% વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ મેળવ્યું છે અને અનેક વિદ્યાર્થીઓએ NET-GSET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં સફળતા મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આગામી સમયમાં સંસ્થા રમતગમત, કલા અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે વિશેષ નિષ્ણાતો તૈયાર કરશે તેવી નવીન જાહેરાત પણ તેમણે કરી હતી.
યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકેશ પટેલે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં શિક્ષકની અનિવાર્યતા સમજાવતા કહ્યું કે ટેકનોલોજી માત્ર માહિતી આપી શકે છે, પરંતુ જીવનમાં પરિવર્તન (Transform) લાવવાની શક્તિ તો માત્ર જીવંત શિક્ષકમાં જ હોય છે. આ સમારોહમાં પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝાએ વિડિયો સંદેશ દ્વારા છાત્રોને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં 'નમો માતૃભૂમિ મિશન શારદામ' હેઠળ તૈયાર થયેલા 6 મહત્વપૂર્ણ રિસર્ચ પ્રોજેક્ટ્સની પુસ્તિકાનું અનાવરણ કરી તેને સરકારને સમર્પિત કરવામાં આવી હતી. પદવી મેળવનાર કુલ 223 વિદ્યાર્થીઓમાં બી.એસસી.-બી.એડ.ના 80, બી.એ.-બી.એડ.ના 60, એમ.એસસી.-એમ.એડ.ના 49 અને પીએચ.ડી.ના 14 સંશોધકોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. અનિલભાઈ વર્ષાત અને વિવિધ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત કુલપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati