મે મહિનાની શરૂઆત સાથે જ ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક પવન અને વરસાદી ઝાપટાંએ વાતાવરણમાં પલટો આણ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, 2 મેના રોજ દેશના વિવિધ રાજ્યોમાં મિશ્ર વાતાવરણની શક્યતા છે, જેની સીધી અસર સામાન્ય જનજીવન પર પડશે.હવામાન વિભાગે શું કરી આગાહી?ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 મે 2026ના રોજ દેશના અનેક હિસ્સાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વરસાદ, આંધી અને કરા પડવાને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી લોકોને ભીષણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. દિલ્હી-NCRની વાત કરીએ તો, અહીં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. વાદળ છાંયું વાતાવરણ અને હળવા પવનને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. જોકે, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, તેમજ કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
મધ્ય-પશ્ચિમ ભારતના રાજ્યોની કેવું રહેશે હવામાન?બીજી તરફ, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સ્થિતિ થોડી અલગ હોઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ભાગોમાં ગરમીનો પારો સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. બપોરના સમયે તેજ તડકો અને લૂના કારણે લોકોને મુશ્કેલી પડી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વરસાદના કારણે મળેલી આ રાહત કામચલાઉ હોઈ શકે છે અને આગામી અઠવાડિયાથી તાપમાનમાં ફરી વધારો થઈ શકે છે. પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા અને વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે, જેની અસર મેદાની વિસ્તારોના તાપમાન પર પણ જોવા મળશે. ખેડૂતોને પણ આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. એકંદરે, 2 મેના રોજ દેશના અડધા ભાગમાં રાહત અને બાકીના ભાગમાં આકરી ગરમીનો અનુભવ થશે.

