Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indian Railways: હવે પાણી અને વરાળ છોડતી હાઇડ્રોજન ટ્રેન દોડશે, જાણો તેની ખાસિયતો

Indian Railways: હવે પાણી અને વરાળ છોડતી હાઇડ્રોજન ટ્રેન દોડશે, જાણો તેની ખાસિયતો

ભારતીય રેલવે હવે ટેક્નોલૉજીના એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ઈન્ડિયન રેલવેએ દેશની સૌપ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનને મંજૂરી આપીને એક ઐતિહાસિક અને મોટું પગલું ભર્યું છે. આ અદભુત ટ્રેન હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર ચલાવવામાં આવશે અને તેની મહત્તમ ઝડપ કલાકના 75 કિલોમીટરની રહેશે. સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેન ડીઝલ કે વીજળીના બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલૉજીથી ચાલશે, જેના કારણે પ્રદૂષણ નહિવત ન બરાબર થશે.
રેલ મંત્રાલય દ્વારા 10 કોચ ધરાવતી આ હાઈડ્રોજન DEMU ટ્રેનને નોર્ધર્ન રેલવે ઝોન અંતર્ગત લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટ્રેનનું સંચાલન હાલમાં જીંદ અને સોનીપત સેક્શન વચ્ચે કરવામાં આવશે. રેલવેના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પર્યાવરણને અનુકૂળ એવી આ દેશની પહેલી અદભુત ટ્રેન બની રહેશે.
આ ટ્રેનમાં અત્યાધુનિક હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલૉજી હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણની મદદથી વીજળી પેદા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ધુમાડાને બદલે માત્ર પાણી અને વરાળ જ બહાર નીકળે છે. આ જ કારણે તેને 'ગ્રીન ટ્રેન' પણ કહેવામાં આવી રહી છે. આ ટ્રેનની કુલ પાવર ક્ષમતા 1200 કિલોવોટ હશે. તેમાં ડિસ્ટ્રિબ્યુટેડ પાવર રોલિંગ સ્ટોક ટેક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે, એટલે કે સમગ્ર ટ્રેનના અલગ-અગલ ભાગોમાં પાવર સપ્લાય વિભાજિત રહેશે.

રેલ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ ટ્રેનને સીધી નિયમિત સેવાઓમાં ઉતારવામાં નહીં આવે. તે પહેલાં તમામ સુરક્ષા માપદંડો અને ટેકનિકલ તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન અને કમિશનર ઓફ રેલવે સેફ્ટી તરફથી જરૂરી ટેકનિકલ મંજૂરીઓ મળી ચૂકી છે. આ ઉપરાંત હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સિસ્ટમ સહિતની અન્ય એજન્સીઓની શરતોનું પાલન કરવું પણ અનિવાર્ય રહેશે. ટ્રેનમાં કોઈ પણ પ્રકારના લીકેજ અથવા આગથી બચવા માટે ખાસ પ્રકારના સેન્સર્સ લગાવવામાં આવ્યા છે.
રેલવે તંત્રએ શરૂઆતના ત્રણ મહિના સુધી ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રશિક્ષિત ટેકનિકલ કર્મચારીઓને સાથે તૈનાત રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટાફ મુસાફરી દરમિયાન આવનારી કોઈપણ નાની-મોટી ટેકનિકલ સમસ્યાને સ્થળ પર જ તાત્કાલિક દુર કરશે. રેલવેનું માનવું છે કે હાઈડ્રોજન ટ્રેન એ ભવિષ્યની મોટી જરૂરિયાત છે. આનાથી ડીઝલ પરની નિર્ભરતા ઘટશે અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો થશે. આગામી સમયમાં દેશના અન્ય મહત્વના રૂટો પર પણ આવી ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવી શકે છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati