મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની અંતિમવિધિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ એટલે કે 4 જુલાઇના રોજ તેમની 6 દિવસીય અંતિમવિધિની શરૂઆત થશે. પણ આ સાથે જ સુરક્ષા કારણોસર નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ જાહેર કાર્યક્રમોથી દૂર રહેશે. આવનાર 6 દિવસ સુધી રાજ્યકક્ષાના કાર્યક્રમો યોજાશે.મિડલ ઈસ્ટમાં યથાવત તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની અંતિમવિધિને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
અલી ખામેનેઈએ સતત 36 વર્ષ સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. તેમના નિધન બાદ સામાન્ય ઇસ્લામિક પરંપરા મુજબ 24 કલાકમાં દફનવિધિ થતી હોય છે પરંતુ યુદ્ધ જેવી અસાધારણ પરિસ્થિતિને કારણે અંતિમવિધિ મુલતવી રાખવામાં આવી હતી. હવે 4 જુલાઈથી તેહરાનમાં રાજ્યકક્ષાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમોની શરૂઆત થશે અને 9 જુલાઈએ તેમના વતન મશહાદ શહેરમાં દફનવિધિ સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થશે. આ છ દિવસ દરમિયાન લાખો નહીં પરંતુ કરોડો લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અલી ખામેનેઈની અંતિમવિધિમાં ભાગ લેવા માટે અનેક દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. જોકે વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે હાજર રહે તેવી શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે. ભારત તરફથી બિહારના ગવર્નર જનરલ સૈયદ હસનૈન, વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા તથા કોંગ્રેસના પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ પ્રતિનિધિમંડળના ભાગરૂપે ઈરાન પહોંચે તેવી માહિતી સામે આવી છે.
આ દરમિયાન મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા હોવા છતાં તણાવ સંપૂર્ણપણે શમ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી બંને પક્ષો વચ્ચે હુમલા અને જવાબી કાર્યવાહી ચાલુ રહી છે. તાજેતરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં બનેલી ઘટનાઓ બાદ અમેરિકાએ ઈરાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જ્યારે ઈરાને પણ અમેરિકી સૈન્ય બેઝ પર હુમલાનો જવાબ આપ્યો હતો. જોકે, કતારના દોહામાં મધ્યસ્થતા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં સંઘર્ષની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાયો છે.
અલી ખામેનેઈની અંતિમવિધિ માત્ર ઈરાન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજરમાં એક મહત્વપૂર્ણ રાજકીય અને કૂટનીતિક ઘટના બની રહી છે. એક તરફ વિશ્વભરના નેતાઓ અને પ્રતિનિધિઓની હાજરી પર સૌની નજર છે, તો બીજી તરફ મિડલ ઈસ્ટમાં આગામી દિવસોમાં શાંતિ જળવાશે કે ફરી તણાવ વધશે તે પણ વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યો છે.

