Dailyhunt
જામનગર કોર્ટનો ચુકાદો, 1993ના હથિયાર લેન્ડિંગ કેસમાં 12 આરોપીઓને જેલની સજા

જામનગર કોર્ટનો ચુકાદો, 1993ના હથિયાર લેન્ડિંગ કેસમાં 12 આરોપીઓને જેલની સજા

ર્ષ 1993માં દેશને હચમચાવી દેનારા હથિયાર અને RDX લેન્ડિંગ કાવતરામાં જામનગરની સ્પેશિયલ કોર્ટે વર્ષો બાદ એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા ૧૨ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે 17 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. સરકારી વકીલ તુષાર ગોકાણીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ લેન્ડમાર્ક ફેંસલો સંભળાવ્યો છે.
પોરબંદરના ગોસાબારા અને સલાયા કાંઠે મોટા પાયે RDX અને અત્યાધુનિક હથિયારો ઉતારવામાં આવ્યા હતા. આ હથિયારો દેશના જુદા-જુદા ભાગોમાં બોમ્બ બ્લાસ્ટ અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મોકલવાના હતા. નવાઈની વાત એ છે કે આ આખું કાવતરું જામનગરમાં બેસીને ઘડાયું હતું. આ કેસની તપાસ 2018 સુધી એટલે કે અંદાજે 25 વર્ષ સુધી ચાલી હતી, જે દરમિયાન કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કુલ ૨૯ આરોપીઓ પર તહોમત મૂકવામાં આવ્યું હતું. જે પૈકી ૧૧ આરોપીઓનું સુનાવણી દરમિયાન અવસાન થયું હતું. જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપતા જણાવ્યું કે, જે ૧૨ આરોપીઓ વિરુદ્ધ સચોટ પુરાવા મળ્યા છે તેમને પાંચ વર્ષની જેલની સજા થશે. અન્ય ૧૭ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા છે. આ કેસમાં હજુ પણ દાઉદ ઈબ્રાહીમ, અનીશ ઈબ્રાહીમ અને ટાઈગર મેમણ સહિતના 15 મુખ્ય સૂત્રધારોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

સરકારી વકીલ જમન ભંડેરીએ જણાવ્યું હતું કે, આ ચુકાદો દેશની સુરક્ષા સાથે ચેડાં કરનારા તત્વો માટે એક સબક સમાન છે. ભલે આ ચુકાદો આવતા વર્ષો લાગ્યા, પણ ન્યાયતંત્રે પુરાવાઓને આધારે ગુનેગારોને સજા આપીને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. આ કેસ ગુજરાતના ક્રાઈમ ઈતિહાસમાં સૌથી ચકચારી કેસ પૈકીનો એક ગણાય છે, કારણ કે આ લેન્ડિંગ દ્વારા જ મુંબઈ બ્લાસ્ટ જેવા ઘાતકી કૃત્યોને અંજામ આપવાનું આયોજન હતું.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati