નેપાળમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે અને મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા છે. આ દરમિયાન કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ભારતીય શ્રદ્ધાળુઓ પણ મુશ્કેલીમાં ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ જ યાત્રામાં ગુજરાતી અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખ પણ સામેલ હતી.
સોશિયલ મીડિયા પર માનસીએ આપી અપડેટ
ચિંતિત ચાહકો વચ્ચે માનસીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સ્પષ્ટ કર્યું કે તેઓ સુરક્ષિત છે. માનસીએ જણાવ્યું કે તેઓ હાલમાં ચીનમાં સુરક્ષિત છે અને આ સમગ્ર દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ ઈશા ફાઉન્ડેશન તરફથી ફસાયેલા યાત્રિકોને શોધવા અને લોકોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું પણ તેણે જણાવ્યું. અભિનેત્રીએ લોકોને પણ તમામ યાત્રિકોની સલામતી માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
પાંચ દિવસમાં બદલાઈ ગઈ આખી તસવીર
માનસીએ શેર કરેલી બીજી સ્ટોરીમાં એક વાત ખાસ ધ્યાન ખેંચે છે. તેણે જણાવ્યું કે માત્ર પાંચ દિવસ પહેલાં જે જગ્યાએ તેનું ખૂબ જ પ્રેમ અને ઉષ્માથી સ્વાગત થયું હતું, એ જ સ્થળ હવે પૂરના પાણીમાં ડૂબી ગયું છે. આ વાતથી અંદાજ લગાવી શકાય છે કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ ગઈ હતી. માનસીએ વધુમાં જણાવ્યું કે હકીકતમાં બીજા દિવસે તેઓ એ જ સ્થળે પહોંચવાના હતા. એટલે કે કુદરતના આ અચાનક પ્રકોપે યાત્રાનો આખો માર્ગ જ બદલી નાખ્યો.
યાત્રિકોને લઈને ચિંતા વધી
પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રા સાથે જોડાયેલા કેટલાક યાત્રિકોનો સંપર્ક ન થવાના અહેવાલો સામે આવ્યા હતા. ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા 77 લોકો ગુમ હોવાના અહેવાલો પણ ચર્ચામાં આવ્યા. બીજી તરફ, બચાવ કામગીરી દરમિયાન અનેક શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે દુર્ગમ વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું હજુ પણ પડકારરૂપ છે.
માનસી માટે કૈલાસ યાત્રા રહી ખાસપૂરની ઘટના પહેલાં માનસી પારેખે કૈલાસ માનસરોવર યાત્રાના અનેક યાદગાર અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. માનસરોવર તળાવના કિનારે ધ્યાન કરતી તસવીરો અને વીડિયો શેર કરીને તેણે આ અનુભવને અત્યંત આધ્યાત્મિક ગણાવ્યો હતો. હજારો વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસ સાથે જોડાયેલા આ સ્થળે શાંતિથી બેસીને ધ્યાન કરવું તેના માટે જીવનના યાદગાર અનુભવોમાંથી એક રહ્યું.
'કચ્છ એક્સપ્રેસ'થી નેશનલ એવોર્ડ સુધીમાનસી પારેખ ગુજરાતી મનોરંજન જગતનું જાણીતું નામ છે. ટેલિવિઝનથી કરિયરની શરૂઆત કર્યા બાદ તેણે ગુજરાતી, હિન્દી અને અન્ય ભાષાના મનોરંજન ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી. અભિનેત્રી ઉપરાંત તે ગાયિકા, નિર્માતા અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ કામ કરી ચૂકી છે.
ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં મોંઘીના પાત્રમાં તેના અભિનયને દર્શકો અને વિવેચકોની પ્રશંસા મળી હતી. આ ફિલ્મ માટે વર્ષ 2024માં તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો સન્માન મળ્યો હતો.
હાલ કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે માનસી પારેખની સલામતીના સમાચાર તેના ચાહકો માટે રાહતરૂપ બન્યા છે. જોકે, યાત્રા સાથે જોડાયેલા અન્ય લોકોની સલામતી અને પરત ફરવાની પ્રક્રિયા હજુ પણ મહત્વનો મુદ્દો છે.

