નેપાળમાં આવેલા વિનાશક પૂરએ માત્ર રસ્તાઓ, પુલો અને ગામોને જ તબાહ કર્યા નથી, પરંતુ કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળના રસુવા રૂટનો ઉપયોગ કરી રહેલા અનેક યાત્રાળુઓને પણ સંકટમાં મૂકી દીધા છે. તિબેટની સરહદ પાસે આવેલા રસુવા જિલ્લામાં અચાનક આવેલા પૂરથી રસુવાગઢી અને આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ જ માર્ગ કૈલાશ માનસરોવર જવા માટેનો મહત્વનો ઓવરલેન્ડ કોરિડોર છે.
કૈલાશ યાત્રા માટે બે અલગ રસ્તા
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત સત્તાવાર કૈલાશ માનસરોવર યાત્રા માટે બે રૂટ છે-ઉત્તરાખંડનો લિપુલેખ પાસ અને સિક્કિમનો નાથુ લા પાસ.
લિપુલેખ રૂટની યાત્રા લગભગ 21થી 22 દિવસની હોય છે, જ્યારે નાથુ લા રૂટમાં 20 દિવસથી વધુ સમય લાગે છે.
સરકારી યાત્રામાં યાત્રાળુઓની સંખ્યા પણ મર્યાદિત હોય છે અને પસંદગી કમ્પ્યુટરાઈઝ્ડ લોટરી દ્વારા કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં આ ક્વોટા આશરે 1,000 યાત્રાળુઓનો રહ્યો છે.
એટલે કૈલાશ જવા ઇચ્છતા ઘણા લોકો માટે સરકારી માર્ગ સિવાયનો વિકલ્પ બને છે-નેપાળનો ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત રૂટ.
રસુવા રૂટ સૌથી વધુ લોકપ્રિય કેમ?
નેપાળમાંથી કૈલાશ જવા માટે મુખ્ય બે ખાનગી માર્ગ છે-રસુવા અને હિલ્સા.
તેમાંથી રસુવા રૂટ વધુ લોકપ્રિય બનવાનું સૌથી મોટું કારણ છે કિંમત અને ઓવરલેન્ડ મુસાફરીની સુવિધા.
કાઠમંડુથી યાત્રા શરૂ થાય છે. ત્યાંથી રોડ માર્ગે રસુવા જિલ્લામાં આવેલા રસુવાગઢી બોર્ડર સુધી પહોંચવામાં સામાન્ય રીતે આશરે 6થી 8 કલાક લાગે છે. ત્યારબાદ યાત્રાળુઓ તિબેટના ગ્યિરોંગ તરફ પ્રવેશ કરે છે અને આગળ દારચેન થઈ કૈલાશ તરફ જાય છે.
આ આખી ઓવરલેન્ડ યાત્રા સામાન્ય રીતે આશરે 10થી 14 દિવસમાં પૂર્ણ થઈ શકે છે.
બીજી તરફ હિલ્સા રૂટમાં કાઠમંડુથી નેપાળગંજ, ત્યારબાદ સિમિકોટ અને હેલિકોપ્ટર દ્વારા હિલ્સા પહોંચવાનું હોવાથી ખર્ચ વધુ થઈ શકે છે.13,500થી વધુ યાત્રાળુઓએ પસંદ કર્યો રસુવા
રસુવા રૂટની લોકપ્રિયતાનો અંદાજ આંકડાથી જ લગાવી શકાય છે.
નેપાળના સત્તાવાર આંકડા મુજબ 2025-26ના નાણાકીય વર્ષમાં 13,523 ધાર્મિક પ્રવાસીઓ રસુવાગઢી બોર્ડર મારફતે કૈલાશ માનસરોવર તરફ ગયા હતા.
આ સંખ્યા અગાઉના વર્ષ કરતાં 18.75 ટકા વધારે હતી. રસુવા રૂટ હિલ્સા કરતાં સસ્તો હોવાને કારણે યાત્રાળુઓમાં તેની માંગ વધી રહી છે.
આ માર્ગનો ઉપયોગ માત્ર ભારતના યાત્રાળુઓ જ નથી કરતા. NRI, વિદેશી નાગરિકો અને નેપાળી યાત્રાળુઓ પણ આ રૂટનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ભારતીય પાસપોર્ટ ધરાવતા NRI માટે આ માર્ગ એક વ્યવહારુ વિકલ્પ બની રહ્યો છે.
ખાનગી રૂટમાં લોટરીની મર્યાદા નથી
સરકારી કૈલાશ યાત્રામાં સીટ મર્યાદિત હોવાથી દરેક ઇચ્છુક વ્યક્તિને સ્થાન મળતું નથી.
નેપાળના ખાનગી ઓપરેટરો સાથે આવું નથી. યાત્રાળુઓ અગાઉથી બુકિંગ કરાવી શકે છે અને ઓપરેટરો ચીન તરફથી જરૂરી ચાઈનીઝ ગ્રુપ વિઝા અને તિબેટ ટ્રાવેલ પરમિટની પ્રક્રિયા કરે છે.
આ કારણે યાત્રાનું આયોજન ઘણા લોકો માટે વધુ લવચીક બને છે.
આ જ કારણસર 2026માં નેપાળના ખાનગી રૂટ પર બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચીને આ સિઝનમાં નેપાળ મારફતે કૈલાશ જતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે કુલ ક્વોટા 24,000 રાખ્યો હોવાનો અહેવાલ છે, જે 2025ના 20,000 કરતાં વધારે છે.
અને હવે આ જ રૂટ બન્યો દુર્ઘટનાનું કેન્દ્ર
જે રસુવા રૂટને યાત્રાળુઓ તેની ઓછી કિંમત અને સરળ ઓવરલેન્ડ કનેક્ટિવિટીના કારણે પસંદ કરી રહ્યા હતા, એ જ વિસ્તાર હવે વિનાશક પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
રસુવાગઢી-કેરુંગ સરહદ વિસ્તાર પાસે આવેલા ભોટેકોશી નદીના વિસ્તારમાં અચાનક આવેલા ભારે પૂરે રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન પહોંચાડ્યું અને અનેક યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સંપર્કવિહોણા બન્યા.
અહેવાલો અનુસાર ગુમ થયેલા લોકોમાં ભારત સહિત અનેક દેશોના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ સામેલ છે.
ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ રૂટ પર હતા. અહેવાલ મુજબ અમદાવાદ, આનંદ, સુરત, વલસાડ અને રાજકોટ સાથે જોડાયેલા લોકો સહિત 12 લોકો સંપર્કવિહોણા થયા હતા, જેમાં કેટલાક કૈલાશ યાત્રાળુઓ અને NRI પણ સામેલ હતા.
હિલ્સા રૂટ કેમ અલગ છે?
નેપાળનો બીજો મુખ્ય ખાનગી માર્ગ હિલ્સા રૂટ છે.
આ મુખ્યત્વે હવાઈ માર્ગ આધારિત યાત્રા છે. કાઠમંડુથી નેપાળગંજ, ત્યારબાદ સિમિકોટ અને પછી હેલિકોપ્ટર દ્વારા હિલ્સા પહોંચાડવામાં આવે છે. ત્યાંથી રોડ માર્ગે તિબેટ તરફ આગળ વધવામાં આવે છે.
આ માર્ગ સામાન્ય રીતે 5થી 11 દિવસનો હોઈ શકે છે, પરંતુ હેલિકોપ્ટર અને અન્ય સેવાઓને કારણે તેનો ખર્ચ રસુવા રૂટ કરતાં વધારે હોય છે.
તો ભારતીયો માટે શું સમજવું જરૂરી?
રસુવા રૂટ સસ્તો અને ઝડપી વિકલ્પ હોવાના કારણે લોકપ્રિય બન્યો છે, પરંતુ આ વિસ્તાર ઉચ્ચ પર્વતીય અને કુદરતી જોખમો ધરાવતો વિસ્તાર પણ છે.
પૂર, ભૂસ્ખલન, અચાનક નદીના પ્રવાહમાં વધારો અને માર્ગ-પુલને નુકસાન જેવી પરિસ્થિતિઓ અહીં મુસાફરીને જોખમી બનાવી શકે છે.
આ દુર્ઘટનાએ એક મોટો સવાલ પણ ઊભો કર્યો છે-
કૈલાશ માનસરોવર જેવી અત્યંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય તીર્થયાત્રા માટે ખાનગી રૂટ પર આપત્તિ વ્યવસ્થાપન અને યાત્રાળુઓની સુરક્ષાની વ્યવસ્થા કેટલી મજબૂત છે?
કારણ કે આ હવે માત્ર એક યાત્રાનો રસ્તો નથી રહ્યો.
દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલો એક મહત્વનો કોરિડોર બની ગયો છે.
અને રસુવામાં આવેલા આ પૂરએ બતાવી દીધું છે કે પર્વતોમાં એક ક્ષણમાં બદલાતું હવામાન આખી યાત્રાને જીવન-મરણના સંકટમાં ફેરવી શકે છે.

