તહેવારોની સિઝન શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ દેશના ગ્રાહકો માટે ખાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાંડના ભાવમાં અચાનક થયેલા ઉછાળા અને પુરવઠાને લઈને વધતી ચિંતાઓ વચ્ચે ક્વિક-કોમર્સ પ્લેટફોર્મથી લઈને મોટા રિટેલ સ્ટોર્સ સુધી અનેક જગ્યાએ ખાંડની ખરીદી પર મર્યાદા લાદવામાં આવી રહી છે. Blinkit, Zepto, BigBasket અને Swiggy Instamart જેવા પ્લેટફોર્મ પર કેટલાક વિસ્તારોમાં ચોક્કસ જથ્થાથી વધુ ખાંડ ખરીદવા પર પ્રતિબંધ મૂકાયો છે.
30 દિવસમાં ખાંડના ભાવમાં 35 ટકાથી વધુનો ઉછાળો
ગ્રાહક બાબતોના વિભાગના આંકડા અનુસાર 26 ઓગસ્ટે દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 65.05 પ્રતિ કિલો સુધી પહોંચી હતી. એક મહિના પહેલાં એટલે કે 26 જુલાઈએ આ ભાવ આશરે 48 પ્રતિ કિલો હતો. એટલે કે માત્ર 30 દિવસમાં ખાંડની સરેરાશ છૂટક કિંમતમાં આશરે 35.5 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના અઠવાડિયામાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. 20 જુલાઈએ સરેરાશ ભાવ 48.18 પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટે વધીને 55.70 થયો હતો. જથ્થાબંધ બજારમાં પણ ખાંડનો ભાવ લગભગ 60.36 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે.
Blinkit, BigBasket અને Swiggy Instamart પર કેટલું ખરીદી શકશો?
ખાંડની ખરીદીની મર્યાદા દરેક પ્લેટફોર્મ અને વિસ્તાર પ્રમાણે અલગ છે. Blinkit પર કેટલાક વિસ્તારોમાં ચોક્કસ બ્રાન્ડના 5 કિલોના પેકમાંથી એક ટ્રાન્ઝેક્શનમાં માત્ર એક પેક ખરીદી શકાય છે. BigBasket પર કેટલીક બ્રાન્ડ માટે મહત્તમ છ 1 કિલોના પેકની મર્યાદા છે. Swiggy Instamartના કેટલાક વિસ્તારોમાં ચોક્કસ બ્રાન્ડના બે 1 કિલોના પેક સુધીની મર્યાદા છે, જ્યારે અન્ય બ્રાન્ડ માટે મર્યાદા અલગ હોઈ શકે છે. Zepto દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં સ્ટોક મેનેજમેન્ટ માટે સમાન પ્રકારની મર્યાદા લાગુ કરવામાં આવી છે.
DMart અને Reliance Retailે શા માટે રોક લગાવી?
ઓફલાઇન માર્કેટમાં પણ ગ્રાહકો માટે ખાંડની ખરીદી મર્યાદિત કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર DMart અને Reliance Retail જેવા રિટેલર્સે કેટલાક કિસ્સાઓમાં ગ્રાહક દીઠ આશરે 2થી 3 કિલો ખાંડની મર્યાદા નક્કી કરી છે. તેનો મુખ્ય હેતુ જથ્થાબંધ ખરીદી અને સંગ્રહખોરીને અટકાવવાનો તેમજ ઉપલબ્ધ સ્ટોક વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. જોકે એક મોટી ખાંડ બ્રાન્ડના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ બજારમાં ખાંડનો સ્ટોક સંપૂર્ણપણે ખતમ થવાનું જોખમ નથી.
તહેવારો પહેલા ખાંડની માંગ વધશે, ભાવ પર વધુ દબાણની શક્યતા
ખાંડના ભાવમાં વધારા પાછળ ઉત્પાદન, વપરાશ અને ઉપલબ્ધ સ્ટોક વચ્ચેનું સંતુલન મહત્વનું પરિબળ છે. ISMAના અંદાજ મુજબ 2025-26 માર્કેટિંગ વર્ષમાં ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝન બાદ દેશનું ચોખ્ખું ખાંડ ઉત્પાદન આશરે 279 લાખ ટન રહેવાનો અંદાજ છે. બીજી તરફ દેશનો વાર્ષિક સ્થાનિક વપરાશ આશરે 280થી 285 લાખ ટન હોવાનો અંદાજ છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય ચીજોની માંગ વધે ત્યારે ખાંડની માંગમાં પણ વધારો થઈ શકે છે. તેથી હાલ ગ્રાહકોને જરૂરિયાત મુજબ જ ખરીદી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે ખરીદીની મર્યાદા વિસ્તાર, સ્ટોક અને પ્લેટફોર્મ પ્રમાણે બદલાઈ શકે છે.

