Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખેતરમાં વર્ષોથી મહેનત કરતી મહિલાઓને આખરે મળી ઓળખ! મહારાષ્ટ્રનો ઐતિહાસિક નિર્ણય, હવે મળશે 'ખેડૂત'નો દરજ્જો

ખેતરમાં વર્ષોથી મહેનત કરતી મહિલાઓને આખરે મળી ઓળખ! મહારાષ્ટ્રનો ઐતિહાસિક નિર્ણય, હવે મળશે 'ખેડૂત'નો દરજ્જો

તોરલ કવિખેતરમાં વાવણીથી લઈને લણણી સુધી પુરુષોની સાથે ખભેખભા મિલાવી મહેનત કરતી મહિલાઓને હવે માત્ર 'ખેડૂતની પત્ની' નહીં, પરંતુ સત્તાવાર ખેડૂત તરીકે ઓળખ મળશે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સર્વાનુમતે મહિલા ખેડૂત સશક્તિકરણ વિધેયકને મંજૂરી આપતાં દેશભરમાં એક નવી શરૂઆત કરી છે. આ પ્રકારનો કાયદો લાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે.
વર્ષોથી ગ્રામિણ મહિલાઓ ખેતીના લગભગ દરેક તબક્કે મહત્વની ભૂમિકા ભજવે છે. છતાં જમીન મોટા ભાગે પુરુષોના નામે હોવાથી સરકારી દસ્તાવેજોમાં તેઓ ખેડૂત તરીકે નોંધાતી નહોતી. પરિણામે બેંક લોન, પાક વીમો, કૃષિ સબસિડી અને સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના લાભથી તેઓ વંચિત રહેતી હતી. હવે આ સ્થિતિ બદલાશે.
નવા કાયદા હેઠળ માત્ર ખેતી કરતી મહિલાઓ જ નહીં, પરંતુ પશુપાલન, ડેરી, મરઘાં ઉછેર, મત્સ્યપાલન અને મધમાખી પાલન જેવા કૃષિ આધારિત વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને પણ ખેડૂત તરીકે માન્યતા મળશે. સરકાર તેમને 'મહિલા ખેડૂત ઓળખપત્ર' આપશે, જેના આધારે તેઓ બેંકમાંથી લોન, પાક વીમો, સબસિડી, બિયારણ, ખાતર અને અન્ય સરકારી સહાય સરળતાથી મેળવી શકશે. સાથે જ પોતાની ઉપજને બજારમાં સીધી વેચવાની તક પણ મળશે.
ખાસ વાત એ છે કે આ નિર્ણય માત્ર સરકારી લાભો પૂરતો મર્યાદિત નથી. મહિલાઓને સત્તાવાર ખેડૂતનો દરજ્જો મળવાથી તેમની આર્થિક ઓળખ મજબૂત બનશે, નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને કૃષિ ક્ષેત્રમાં તેમના યોગદાનને કાનૂની સ્વીકાર મળશે. કૃષિ નિષ્ણાતો માને છે કે આ પગલું મહિલાઓના આર્થિક સશક્તિકરણ સાથે ગ્રામિણ અર્થવ્યવસ્થાને પણ નવી દિશા આપશે.
મહારાષ્ટ્રનો આ નિર્ણય હવે સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બન્યો છે. જો અન્ય રાજ્યો પણ આ મોડેલ અપનાવે, તો કરોડો મહિલા ખેડૂતોને માત્ર સન્માન જ નહીં, પરંતુ વિકાસની નવી તકો પણ મળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati