પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પવિત્ર પર્વે જ્યાં દરેક બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાકવચ બાંધે છે, ત્યાં સાવરકુંડલા નજીક આવેલ મનોરોગી બહેનોના આશ્રમમાં પ્રેમ અને માનવતાનું એક અનોખું ચિત્ર જોવા મળ્યું. અમરેલીના એક મુસ્લિમ સેવાભાવી યુવક છેલ્લા દસ વર્ષથી સતત આ આશ્રમની નિરાધાર બહેનો પાસે રાખડી બંધાવવા આવે છે. વિવિધ જ્ઞાતિ-ધર્મમાંથી આવતી બહેનો અહીં એક જ છત નીચે રહે છે સાવરકુંડલાથી માત્ર પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર સ્થિત છે 'માનવ મંદિર આશ્રમ'.
નાસીરભાઈ ટાંક 10 વર્ષથી રક્ષાબંધને ખાસ અહીં પહોંચી જાય છેનાસીરભાઈ માત્ર આશ્રમને આર્થિક કે સામાજિક મદદ જ નથી કરતા, પરંતુ દર રક્ષાબંધને ખાસ અહીં પહોંચી જાય છે. આ વર્ષે પણ બપોર બાદ આશ્રમે પહોંચીને તેમણે ત્યાં નિવાસ કરતી 50 જેટલી મનોરોગી બહેનો પાસે પ્રેમપૂર્વક રાખડી બંધાવી તેમના આશીર્વાદ લીધા હતા. આશ્રમની આ બહેનો માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં, તેમના મનમાં એ દ્રઢ ભરોસો હોય છે કે રક્ષાબંધનના દિવસે તેમનો આ ભાઈ રાખડી બંધાવવા ચોક્કસ આવશે. સમાજમાં જ્યાં ધર્મના નામે ભેદભાવ જોવા મળે છે, ત્યાં સાવરકુંડલાના આ માનવ મંદિરમાં છેલ્લા એક દાયકાથી રક્ષાબંધનનો આ તહેવાર ધર્મ અને જ્ઞાતિના સીમાડા ઓળંગીને માનવતા અને કોમી એકતાની સુવાસ ફેલાવી રહ્યો છે.
"માનસિક અસ્વસ્થતા વચ્ચે પણ પ્રેમ અને વિશ્વાસનો આ સંબંધ સાબિત કરે છે કે લાગણીઓને કોઈ ધર્મ નથી હોતો. નાસીરભાઈનો આ પ્રયાસ સમાજ માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે."

