Dailyhunt
મધ્ય પૂર્વમાં મહાવિનાશના ભણકારા: ટ્રમ્પની ચીમકીથી દુનિયાભરમાં ફફડાટ

મધ્ય પૂર્વમાં મહાવિનાશના ભણકારા: ટ્રમ્પની ચીમકીથી દુનિયાભરમાં ફફડાટ

છેલ્લા છ અઠવાડિયાથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલા 48 કલાકના અલ્ટીમેટમની મિયાદ પૂરી થવાની તૈયારીમાં છે, ત્યારે ટ્રમ્પે ફરી એકવાર આકરા પાણીએ આવીને ઈરાનને ગંભીર પરિણામોની ધમકી આપી છે. ટ્રમ્પના તાજેતરના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ વિશ્વના રાજકીય ગણિતમાં ભારે ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં અત્યંત ચોંકાવનારી વાત કરતા જણાવ્યું છે કે, "આજે રાત્રે એક આખી સંસ્કૃતિનો નાશ થશે, જેને ફરીથી જીવંત કરવી અશક્ય હશે. હું નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ કદાચ હવે તે અનિવાર્ય છે." ટ્રમ્પના આ શબ્દોમાં માત્ર યુદ્ધનું જોખમ જ નહીં, પરંતુ એક સભ્યતાના અંતનો નિર્દેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "આજની રાત વિશ્વના ઈતિહાસ માટે સૌથી જટિલ અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 47 વર્ષનો ભ્રષ્ટાચાર, જુલમ અને હિંસાનો દોર હવે અંતિમ તબક્કે છે."

નોંધપાત્ર છે કે ટ્રમ્પની આ ચીમકી એવા સમયે આવી છે જ્યારે તેમણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને સમજૂતી કરવા માટે વારંવાર ડેડલાઈન આપી છે. અગાઉ 48 કલાકની જે મર્યાદા નક્કી કરવામાં આવી હતી, તેને ત્રણ વાર લંબાવવામાં આવી છે અને હવે તે કુલ 408 કલાકે પહોંચી છે. ટ્રમ્પના દાવા મુજબ, તેમણે ઈરાનમાં સત્તા પરિવર્તનની દિશામાં પણ ગંભીર પગલાં લીધા છે.
આ સંઘર્ષ હવે માત્ર રાજકીય નથી રહ્યો, પરંતુ એક એવા વળાંક પર આવી ગયો છે જ્યાંથી વિનાશક પરિણામો આવી શકે છે. દુનિયાભરના દેશો આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આજે રાત્રે લેવાનારા નિર્ણયો માત્ર બે દેશોના ભવિષ્યને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ અને સુરક્ષાને પ્રભાવિત કરશે. શું ખરેખર આજે રાત્રે ઇતિહાસ બદલાશે? એ પ્રશ્ન અત્યારે વિશ્વના દરેક નાગરિકના મનમાં છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati