Dailyhunt
મહેસાણા વોર્ડ નં. 9: "પક્ષ નહીં, કામ જોઈએ", ચૂંટણી પહેલાં જનતાનો હુંકાર; શું આ વખતે બદલાશે ગણિત?

મહેસાણા વોર્ડ નં. 9: "પક્ષ નહીં, કામ જોઈએ", ચૂંટણી પહેલાં જનતાનો હુંકાર; શું આ વખતે બદલાશે ગણિત?

નોજ યોગી, મહેસાણાગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે મહેસાણા શહેરના વોર્ડ નં. 9માં રાજકીય પક્ષો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતી અહીંની જનતામાં શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. "પક્ષ નહીં, પણ કામ કરનાર ઉમેદવાર"ના નારા સાથે સ્થાનિકોએ આ વખતે આરપારની લડાઈ લડવાના સંકેત આપી દીધા છે.
સમસ્યાઓનો અંબાર અને પ્રજાની હાલાકીવોર્ડ નં. 9ના રસ્તાઓ અત્યંત સાંકડા હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા કાયમી બની ગઈ છે. વસતિ વધી રહી છે પણ માર્ગોનું આયોજન એ જ જૂનું પુરાણું છે. સૌથી ગંભીર સ્થિતિ ચોમાસામાં સર્જાય છે, જ્યારે સામાન્ય વરસાદમાં પણ આખું વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. ઘરોમાં પાણી ભરાવા અને ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત નાગરિકો પૂછી રહ્યા છે કે, "શું આ જ છે અમારો વિકાસ?"
અનામતની નીતિ સામે સવાલોલોકોનો ગંભીર આક્ષેપ છે કે શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ માટે જે પ્લોટ કે જગ્યા ફાળવવામાં આવે છે, તેમાં વાસ્તવિક જરૂરિયાત જોવાને બદલે માત્ર અનામત (રિઝર્વેશન)ના ટેકનિકલ મુદ્દાઓ જ જોવામાં આવે છે. પરિણામે, જ્યાં ખરેખર જરૂર છે ત્યાં સ્કૂલ કે હોસ્પિટલ બનતી નથી અને જનતા સુવિધાઓથી વંચિત રહે છે.
પક્ષવાદથી ઉપર ઉઠતો મતદારઅત્યાર સુધી પક્ષના પ્રતીક પર મતદાન કરતો વર્ગ હવે જાગૃત થયો છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે, "અમને કોઈ રાજકીય પક્ષની વાહવાહીમાં રસ નથી. જે ઉમેદવાર અમારા વિસ્તારમાં આવીને ગટર, રસ્તા અને પાણીના પ્રશ્નો ઉકેલશે, તેને જ અમારો મત મળશે." ચૂંટણી પહેલાં ઉભો થયેલો આ લોકરોષ આગામી સમયમાં મોટા ઉલટફેરના એંધાણ આપી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય પક્ષો પ્રજાના આ રોષને શાંત કરી શકે છે કે પછી જનતા ખરેખર 'કામ'ના આધારે જ પરિવર્તન લાવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati