Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahisagar News: 123 કરોડના 'નલ સે જલ' કૌભાંડમાં વધુ બેની ધરપકડ! હવે 46 આરોપીઓ જેલમાં, સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં મોટો ભ્રષ્ટાચાર

Mahisagar News: 123 કરોડના 'નલ સે જલ' કૌભાંડમાં વધુ બેની ધરપકડ! હવે 46 આરોપીઓ જેલમાં, સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં મોટો ભ્રષ્ટાચાર

તેજવંત સેવક, મહીસાગરમહીસાગર જિલ્લાના 123 કરોડના ચર્ચિત 'નલ સે જલ' કૌભાંડમાં CID ક્રાઈમે વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ વેગ આપ્યો છે. આ કાર્યવાહી બાદ અત્યાર સુધીમાં કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા 'નલ સે જળ' યોજનામાં મોટા પાયે થયેલી ગેરરીતિઓ સામે આવતાં સમગ્ર રાજ્યમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
CID ક્રાઈમ દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને અન્ય જવાબદારો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
CID ક્રાઈમે કોન્ટ્રાક્ટર કલ્પેશકુમાર જશવંતલાલ શાહની ધરપકડ કરી છે. તેઓ ગાંધીનગર સ્થિત CID ક્રાઈમ કચેરીમાં હાજર થયા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી. તપાસ મુજબ કલ્પેશ શાહ પાસે સરકારના અંદાજે 4.58 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે. તેમના પર ખાનપુરના 24 ગામ, લુણાવાડાના 10 ગામ, કડાણાના એક ગામ, સંતરામપુરના એક ગામ અને બાલાસિનોરના એક ગામ સહિત કુલ 37 ગામોમાં યોજનાના કામ દરમિયાન ગેરરીતિ આચરવાનો આરોપ છે. તેઓ લુણાવાડા નગર ભાજપ વ્યાપારી સેલના પ્રમુખ તરીકે પણ ઓળખાય છે.

આ ઉપરાંત CID ક્રાઈમે વાસ્મોના તત્કાલીન કર્મચારી કર્મવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયાની પણ નડિયાદથી ધરપકડ કરી છે. તેઓ કડાણા તાલુકામાં આસિસ્ટન્ટ ટેક્નિકલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તપાસ દરમિયાન તેમના ખાતામાં અંદાજે દોઢ લાખ રૂપિયાનો લાભ જમા થયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ખોટા બિલો અને અન્ય દસ્તાવેજો પર તેમની સહી હોવાના આધારે કૌભાંડમાં તેમની સંડોવણી બહાર આવી છે. હાલ બંને આરોપીઓની પૂછપરછ કરીને કૌભાંડના વધુ તાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કેસમાં 22 જૂનના રોજ હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા ખાતે CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન રાજ્યના 714 ગામમાંથી 620 ગામોમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં વાસ્મોના 6 તત્કાલીન કર્મચારીઓ, 32 કોન્ટ્રાક્ટરો, ફરિયાદમાં ન હોય તેવા 4 તત્કાલીન કર્મચારીઓ તેમજ પાણી સમિતિના 4 સરપંચોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ આગળ વધતાં ધરપકડનો આંક હજુ વધી શકે તેવી શક્યતા છે.
આ સમગ્ર કૌભાંડમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારની કરોડો રૂપિયાની રકમની વસૂલાત ક્યારે થશે અને અધૂરાં કામો ક્યારે પૂર્ણ થશે. અનેક ગામોમાં યોજનાના કામમાં ગેરરીતિ થતાં આજે પણ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવાની રાહ જોવી પડી રહી છે. કરોડો રૂપિયાના આ કૌભાંડ બાદ લોકોમાં પણ સવાલ ઊઠી રહ્યો છે કે જવાબદારો સામે કાર્યવાહી ઉપરાંત પ્રજાના હિતમાં પાણીની યોજનાઓ ફરી ક્યારે શરૂ થશે અને ગામડાં સુધી નળ દ્વારા પાણી ક્યારે પહોંચશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati