આયાઝ સિદ્દિકી, કચ્છકચ્છનું વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ અને કુદરતની અજાયબી સમાન 'રોડ ટુ હેવન' હાલમાં પ્રવાસીઓ માટે નંદનવન સમાન બની ગયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનો બેસતાની સાથે જ વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે નજારો કંઈક અલગ જ છે. ખાવડાથી ધોરાવીરાને જોડતા આ માર્ગની બંને તરફ લાખોની સંખ્યામાં સુરખાબ (ફ્લેમિંગો) એ પડાવ નાખ્યો છે, જે જોઈને એવું લાગે છે કે આ પક્ષીઓ હવે કચ્છના મહેમાન નહીં પણ કાયમી નિવાસી બની ગયા છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં પધારતા આ પક્ષીઓ માટે કચ્છનું રણ ફ્લેમિંગો સિટી બની જાય છે. સામાન્ય રીતે એપ્રિલ પછી વતન પરત ફરતા આ પક્ષીઓ આ વખતે ગરમી વચ્ચે પણ 'રોડ ટુ હેવન' પર પાણીમાં ગુલાબી ચાદર પાથરી હોય તેવો અહેસાસ કરાવી રહ્યા છે. પ્રવાસીઓ માટે આ એક દુર્લભ લ્હાવો છે, જ્યાં રણ, રસ્તો અને આકાશી રંગો સાથે ફ્લેમિંગોનું મિલન એક અલૌકિક દ્રશ્ય ખડું કરે છે.

