Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mumbai Vande Bharat:  મુંબઈમાં પાણીમાં ગરકાવ ટ્રેક પર દોડી વંદે ભારત! ઓવરબ્રિજ સુધી ઉછળ્યા પાણીના મોજા, રોમાંચક વીડિયો વાયરલ

Mumbai Vande Bharat: મુંબઈમાં પાણીમાં ગરકાવ ટ્રેક પર દોડી વંદે ભારત! ઓવરબ્રિજ સુધી ઉછળ્યા પાણીના મોજા, રોમાંચક વીડિયો વાયરલ

મુંબઈમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. શહેરના અનેક વિસ્તારોમાં માત્ર થોડા કલાકોમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ અને રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દરમિયાન કાંજુરમાર્ગ નજીક પાણીથી ભરાયેલા રેલવે ટ્રેક પરથી ઝડપથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ટ્રેન ભારે પાણી વચ્ચે પણ પોતાના માર્ગે આગળ વધતી જોવા મળે છે અને તેની ઝડપના કારણે પાણીના વિશાળ મોજા હવામાં ઉછળતા નજરે પડે છે. આ દૃશ્યે સોશિયલ મીડિયા પર લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ ટ્રેનની આધુનિક ટેકનોલોજી અને ભારતીય રેલવેના એન્જિનિયરિંગની પ્રશંસા કરી છે.


ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે પહેલાથી જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને દરિયામાં આવેલી ઊંચી ભરતીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વિક્રોલીમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 247 મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પવઈમાં 240 મીમી, ચિંચોલીમાં 220 મીમી અને અંધેરીમાં 208 મીમી વરસાદ નોંધાયો હતો. નવી મુંબઈના ઐરોલી, દિઘા અને કોપરખૈરાણે વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. અંધેરીમાં મોગરા નાળો છલકાતા અંધેરી સબવે, એસ.વી. રોડ અને લિંક રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા હતા. 4.26 મીટરની ઊંચી ભરતીને કારણે પાણીનો નિકાલ ધીમો પડતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અનેક વિસ્તારોમાં લોકોને ઘૂંટણ સુધી પાણીમાં પસાર થવાની ફરજ પડી હતી. જ્યારે ટ્રાફિક પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.
ભારે વરસાદને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. પશ્ચિમ રેલવેના વિરાર-નાલાસોપારા રૂટ પર ટ્રેનો 15થી 20 મિનિટ મોડે ચાલી હતી. જ્યારે મધ્ય રેલવેની કલ્યાણ-CSMT લાઇન પર 20થી 25 મિનિટ અને હાર્બર લાઇન પર 10થી 15 મિનિટનો વિલંબ નોંધાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અંધેરી, વિક્રોલી અને ચેમ્બુર સહિતના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ અસ્થાયી રીતે બંધ કર્યા હતા. હવામાન વિભાગે આગામી સમયગાળામાં પણ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati