Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mumbai-Ahmedabad Highway: વરસાદે કરોડોના રસ્તાની પોલ ખુલ્લી! મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહાલક્ષ્‍‍મી નજીક મોટો ખાડો, 15થી વધુ વાહનો અકસ્માતનો ભોગ

Mumbai-Ahmedabad Highway: વરસાદે કરોડોના રસ્તાની પોલ ખુલ્લી! મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહાલક્ષ્‍‍મી નજીક મોટો ખાડો, 15થી વધુ વાહનો અકસ્માતનો ભોગ

મિત રાય, મુંબઈ વરસાદના પ્રથમ ઝાપટામાં જ કરોડોના ખર્ચે બનેલા હાઈવેની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મહાલક્ષ્‍મી નજીક રસ્તાની વચ્ચે પડેલા વિશાળ ખાડાએ વાહનચાલકો માટે જીવલેણ સ્થિતિ સર્જી છે.
મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મહાલક્ષ્‍મી નજીક રસ્તાની વચ્ચે અચાનક પડેલા મોટા ખાડાને કારણે ગંભીર અકસ્માતોની ઘટના સામે આવી છે.
માત્ર 10થી 12 મિનિટના ટૂંકા સમયગાળામાં 15થી વધુ વાહનો આ ખાડામાં અથડાયા હતા. ખાડો એટલો ઊંડો હતો કે અનેક વાહનોના ટાયર ફાટી ગયા અને વાહનચાલકો રસ્તા પર જ અટવાઈ ગયા. વરસાદના કારણે રસ્તાની સ્થિતિ વધુ જોખમી બનતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ ધીમો પડી ગયો હતો.

આ ઘટનાએ હાઈવેના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગયા વર્ષે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 'વ્હાઇટ ટોપિંગ' એટલે કે કોંક્રિટ ઓવરલે માટે અંદાજે 620 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છતાં વરસાદના પહેલા જ ઝાપટામાં કોંક્રિટ તૂટી જતાં તેની અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા હતા. ગુજરાતથી મુંબઈ તરફ જતી લેનમાં બનેલી આ ઘટના દરમિયાન એક પછી એક વાહનો ખાડામાં અથડાતા અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોએ હાઈવેની હાલત અંગે ભારે રોષ વ્યક્ત કર્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ રસ્તાની આવી સ્થિતિ કેમ સર્જાઈ તે અંગે લોકો જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. વરસાદની મોસમની શરૂઆતમાં જ હાઈવે પર આવી ખતરનાક સ્થિતિ ઉભી થતાં મુસાફરોની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે. હવે સંબંધિત તંત્ર તાત્કાલિક સમારકામ કરે છે કે નહીં અને આ બેદરકારી માટે જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati