આયુષી યાજ્ઞિક, અમદાવાદમુંબઈના ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ સહિત અનેક ટ્રેનો રદ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાયું છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાયું છે.
અમદાવાદ સહિત અનેક રૂટની ટ્રેનો રદ, કેટલીક શોર્ટ ટર્મિનેટ
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ 7 જુલાઈ 2026ની 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ઉપરાંત 19255 સુરત-મહુવા એક્સપ્રેસ અને 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ પણ 7 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ 9 જુલાઈ, 2026ના રોજ રદ રહેશે. બીજી તરફ 6 જુલાઈએ નીકળેલી 22544 લાલકુઆં-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને દહાણુ રોડ સુધી જ દોડાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ટ્રેન સંચાલનમાં સતત ફેરફારો થઈ રહ્યા હોવાથી મુસાફરોને સતર્ક રહેવા જણાવાયું છે.
પોરબંદર, વેરાવળ અને ભાવનગરની ટ્રેનો પણ રદ
મુંબઈમાં વરસાદની સ્થિતિ ગંભીર બનતા પશ્ચિમ રેલવેએ અન્ય કેટલીક મહત્વની ટ્રેનો પણ રદ કરી છે. 7 જુલાઈ2026ની 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ અને 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ઉપરાંત 12941 ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ પણ 7 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે 12942 આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ 9 જુલાઈ, 2026ના રોજ રદ રહેશે. સતત વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત્ હોવાથી આગામી દિવસોમાં પણ કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.
મુસાફરોને રેલવેની મહત્વની અપીલ
પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી માટે ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ અવશ્ય ચકાસે. ભારે વરસાદને કારણે ટ્રેન મોડી પડવી, રૂટ બદલાવા અથવા રદ થવાની શક્યતા યથાવત્ છે. ખાસ કરીને મુંબઈ તરફ જતી અને ત્યાંથી આવતી ટ્રેનોમાં મુસાફરી કરનારોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રેલવે કામગીરી પર તેની અસર રહી શકે છે. તેથી મુસાફરોને અધિકૃત રેલવે માહિતીના આધારે જ મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી અનાવશ્યક મુશ્કેલીઓ અને સમયના બગાડથી બચી શકાય.

