Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Navsari Rain: 15.5 ઈંચ વરસાદથી નવસારી જળબંબાકાર! કમર સુધી પાણી, લોકો ડિવાઈડર પકડી રસ્તો ઓળંગવા મજબૂર, હવે શરૂ થયો ડિજિટલ કંટ્રોલ રૂમ

Navsari Rain: 15.5 ઈંચ વરસાદથી નવસારી જળબંબાકાર! કમર સુધી પાણી, લોકો ડિવાઈડર પકડી રસ્તો ઓળંગવા મજબૂર, હવે શરૂ થયો ડિજિટલ કંટ્રોલ રૂમ

પરિમલ મકવાણા, નવસારી15.5 ઈંચ વરસાદે નવસારીને પાણીમાં ગરકાવ કર્યું
નવસારી જિલ્લામાં મંગળવારે પડેલા મુશળધાર વરસાદે સમગ્ર શહેરની સ્થિતિ બગાડી નાખી હતી. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહેતા શહેરમાં માત્ર એક જ દિવસમાં અંદાજે 15.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા.
પૂર્ણા નદીનું જળસ્તર સતત વધીને 27 ફૂટ સુધી પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની ખાડી પણ ઓવરફ્લો થતાં અનેક રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું.



મહાનગર પાલિકાએ શરૂ કર્યો ડિજિટલ કંટ્રોલ રૂમ
ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે નવસારી મહાનગર પાલિકાએ ડિજિટલ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કમિશનર જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકા કચેરીના કોન્ફરન્સ રૂમમાં આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ હેઠળ મુખ્ય ચાર રસ્તા અને ત્રણ રસ્તાઓ પર લગાવવામાં આવેલા 360 ડિગ્રી CCTV કેમેરાઓને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે. ઉપરાંત પૂર્ણા નદીના જળસ્તર પર નજર રાખવા માટે હાઈ-ડેફિનેશન નાઇટ વિઝન કેમેરા સહિત કુલ 11 CCTV કેમેરા દ્વારા શહેરનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પણ પાણી ભરાશે ત્યાં તરત જ ક્વિક રિસ્પોન્સ ટીમ મોકલી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવશે.



કમર સુધી પાણી, લોકો ડિવાઈડરના સહારે રસ્તો ઓળંગતા જોવા મળ્યા
શહેરમાં ભારે વરસાદને કારણે ગ્રીડથી કાલિયાવાડી સુધીના નેશનલ હાઈવેને અડીને આવેલા માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે હજારો લોકો રસ્તામાં અટવાઈ ગયા હતા. ઘણા લોકો ડિવાઈડરનો સહારો લઈને રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા. કેટલાક વાહનચાલકોએ પાણીમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનેક કાર રસ્તામાં જ બંધ પડી ગઈ હતી. બાદમાં સ્થાનિક યુવાનો અને ટ્રેક્ટર ચાલકોએ મદદ કરીને આ વાહનોને બહાર કાઢ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.


સુરત અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા
ભારે વરસાદની અસર માત્ર નવસારી પૂરતી સીમિત રહી નહોતી. સુરતમાં પણ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાતા અનેક લોકો પલસાણા હાઈવે મારફતે નવસારી પહોંચ્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્રથી આવતા મુસાફરો બારડોલી સુધી તો બસમાં પહોંચી શક્યા, પરંતુ નવસારી શહેરમાં પ્રવેશતા જ પાણી ભરાયેલા રસ્તાઓને કારણે તેઓ પણ અટવાઈ ગયા હતા. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકા સતત મોનીટરિંગ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ CCTV કેમેરા જોડીને શહેરના મોટાભાગના વિસ્તારોને ડિજિટલ સર્વેલન્સ હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. વરસાદની સ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati