ચંડીગઢમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સેક્ટર-37 સ્થિત પંજાબ ભાજપના મુખ્યાલયની બહાર થયેલા ભીષણ બ્લાસ્ટના ગણતરીના કલાકોમાં જ હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે ચંડીગઢ પોલીસ હેડક્વાર્ટરને મોકલવામાં આવેલા એક ઈમેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે, જેના પગલે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
રાજકીય ગરમાવો: ભાજપ વિરુદ્ધ આમ આદમી પાર્ટીઆ ઘટનાને પગલે પંજાબમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અશ્વીની શર્માએ પંજાબની AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબ પોલીસની હાજરી હોવા છતાં આ હુમલો થયો તે સુરક્ષાની મોટી ખામી છે. શર્માએ સવાલ ઉઠાવ્યો કે શું સરકાર બહારથી ફંડિંગ મેળવતા તત્વોના પ્રભાવમાં કામ કરી રહી છે?
સામે પક્ષે, મુખ્યમંત્રી ભગવંત માન આ મામલે રક્ષણાત્મક વલણ અપનાવ્યું છે. તેમણે ભાજપને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપતા જણાવ્યું કે ભાજપે પોતાની જવાબદારી જાતે લેવી જોઈએ અને પાયાવિહોણા આક્ષેપો કરવાનું ટાળવું જોઈએ.
હુમલાની જવાબદારી અને તપાસનોંધનીય છે કે ભાજપ કાર્યાલય બહાર થયેલા બ્લાસ્ટમાં અનેક ગાડીઓના કાચ ફૂટી ગયા હતા અને દિવાલોમાં છર્રા ઘૂસી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને એક ખાલિસ્તાની સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ થઈ નથી, જે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ તરફ ઈશારો કરે છે.

