Dailyhunt
પશ્ચિમ બંગાળ ચૂંટણી : સુરતથી 5000 મતદારોને વતન પહોંચાડવા ભાજપનું 'સ્પેશિયલ મિશન'

પશ્ચિમ બંગાળ ચૂંટણી : સુરતથી 5000 મતદારોને વતન પહોંચાડવા ભાજપનું 'સ્પેશિયલ મિશન'

દિવ્યેશ પરમાર, સુરતપશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હવે સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટ સુધી પહોંચી ગઈ છે. મમતા બેનર્જીના ગઢને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ સુરતથી એક ચોક્કસ અને મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે. સુરતમાં વસતા હજારો બંગાળી શ્રમિકોને મતદાન કરવા માટે વતન પહોંચાડવા ભાજપે કમર કસી છે.
ભાજપનું 'સ્પેશિયલ ટ્રેન' અભિયાન સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી સમુદાયના લોકો વસે છે, જે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન છે.
ચૂંટણી સમયે ટ્રેનોમાં રિઝર્વેશનની સમસ્યાને કારણે આ શ્રમિકો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત ખાસ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે.
ચકાસણી બાદ જ ટિકિટ!આ સુવિધાનો લાભ માત્ર સાચા અને નોંધાયેલા મતદારોને જ મળે તે માટે ભાજપે કડક નિયમો રાખ્યા છે. સુરત બંગાળી સમાજના વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયામાં દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમના વોટિંગ કાર્ડ અધૂરા હતા અથવા નામ મતદાર યાદીમાં નહોતા, તેવા અંદાજે 1200થી 1500 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેથી માત્ર ખરા મતદારો જ વતન જઈ શકે.
રાજકીય ગણિતસુરતથી જતા આ 5000 મતદારો માત્ર એક આંકડો નથી, પરંતુ ભાજપ માટે એક મોટું રાજકીય રોકાણ છે. ભાજપને આશા છે કે સુરતથી ગયેલા આ શ્રમિકો પશ્ચિમ બંગાળમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. લાખોની સંખ્યામાં સુરત સ્થિત આ વોટબેંક બંગાળના રાજકીય પરિણામો બદલવાની ક્ષમતા રાખે છે, જેના કારણે સુરતથી શરૂ થયેલી આ કવાયત રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બની છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati