વૈભવ શ્રીવાસ્તવ, દિલ્હી અયોધ્યા રામ મંદિર દાન કેસ અંગે ચાલી રહેલી તપાસમાં આરોપીઓની પૂછપરછમાં ઘણા ખુલાસા થઈ શકે છે ત્યારે એ વચ્ચે આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેના પર દેશભરના ભક્તો અને લોકોની નજર મંડાઈ છે. ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસના મણિ રામ છાવની ખાતે યોજાનારી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે રામ મંદિરને મળેલા દાનના કથિત દુરુપયોગના મામલે ચર્ચા ચાલી રહી છે. દાનના દુરુપયોગના આક્ષેપોને લઈને દાખલ થયેલા કેસની આજે હાઈકોર્ટમાં પણ સુનાવણી થવાની છે. જેમાં સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. જોકે ટ્રસ્ટ તરફથી આ મામલે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે તેમ છતાં આજની બેઠકમાં આ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેઠકમાં ટ્રસ્ટના તમામ વરિષ્ઠ સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે. જો કે એક રાહતના સમાચાર સામે આવ્યા છે કે સોનાની રામચરિત માનસ પણ જે ગુમ થાય હોવાની શંકા સેવાઇ રહી હતી તે મંદિર પરિસરમાં જ મળી આવી છે અને તેના ફોટો પણ સામે આવ્યા છે.
ચંપત રાયના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને ટ્રસ્ટ ભવિષ્ય માટે કઈ નવી દિશા નક્કી કરે છે તેના પર સૌની નજર છે. રામ મંદિરના બાકી રહેલા વિકાસકાર્યો, યાત્રાળુઓ માટેની સુવિધાઓ તેમજ ટ્રસ્ટની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ છે. બેઠક પૂર્ણ થયા બાદ ટ્રસ્ટ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જેના આધારે આગામી દિવસોમાં મંદિરના વહીવટ અને આયોજનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો સામે આવી શકે છે.

