Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rekha Birthday Special: બોલિવૂડની 'એવરગ્રીન' રેખાનો 72મો જન્મદિવસ, સંઘર્ષથી લઈને સુપરસ્ટારડમની કહાની

Rekha Birthday Special: બોલિવૂડની 'એવરગ્રીન' રેખાનો 72મો જન્મદિવસ, સંઘર્ષથી લઈને સુપરસ્ટારડમની કહાની

બોલિવૂડમાં પોતાના અભિનય અને અદ્ભુત સૌંદર્યથી દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર સદાબહાર અભિનેત્રી રેખાનો આજે 72મો જન્મદિવસ છે. 10 October 1954 ના રોજ તમિલ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા જેમિની ગણેશન અને અભિનેત્રી પુષ્પાવલીના ઘરે જન્મેલી રેખાનું અસલી જીવન બહારથી જેટલું ગ્લેમરસ અને ભપકાદાર દેખાય છે, અંદરથી તેટલું જ સંઘર્ષપૂર્ણ અને એકલતાથી ભરેલું રહ્યું છે.

નાની વયે ભણતર છોડી ફિલ્મોમાં પ્રવેશ
રેખાનું બાળપણ પૂરું થાય તે પહેલાં જ પરિવારની આર્થિક જવાબદારીઓ તેમના શિરે આવી પડી હતી. પિતા જેમિની ગણેશને ક્યારેય રેખાને દીકરી તરીકેનો દરજ્જો કે પોતાનું નામ ન આપ્યું. પિતાના પ્રેમ માટે ઝૂરતી રેખાને તેમની માતાએ મજબૂરીમાં ખૂબ નાની ઉંમરે જ અભિનયની દુનિયામાં ધકેલી દીધી હતી, જેના કારણે તેમણે ભણતર પણ છોડવું પડ્યું હતું.

ફિલ્મી કારકિર્દી અને સફળતા
બાળપણના સંઘર્ષો છતાં રેખાએ પોતાની મહેનતથી હિન્દી સિનેમામાં એક નવો ઈતિહાસ રચ્યો. તેમણે પોતાના કરિયરમાં 180થી વધુ હિન્દી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે.

એવોર્ડ્સ અને સન્માન

ભારતીય સિનેમામાં અતુલ્ય પ્રદાન માટે વર્ષ 2010માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત 1981માં આવેલી આઇકોનિક ફિલ્મ 'ઉમરાવ જાન' માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તો 'ખુબસૂરત', 'ફૂલ બને અંગારે' અને 'ખિલાડીયો કા ખિલાડી' જેવી સુપરહિટ ફિલ્મો માટે તેમને ફિલ્મફેર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન સાથેનો સંબંધ અને લગ્નજીવનનો વળાંક
રેખાએ ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, સુનિલ દત્ત અને અમોલ પાલેકર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું, પરંતુ તેમની જોડી અમિતાભ બચ્ચન સાથે સૌથી વધુ સુપરહિટ રહી. બંનેએ કુલ 11 ફિલ્મોમાં સાથે કામ કર્યું. 1981માં આવેલી ફિલ્મ 'સીલસીલા' તેમની સાથેની છેલ્લી ફિલ્મ બની રહી, કારણ કે અમિતાભ અને જયા બચ્ચનના પરિણીત જીવનને ધ્યાનમાં રાખીને તેમણે ફરી ક્યારેય સાથે કામ ન કર્યું.

અંગત જીવનમાં રેખાને ક્યારેય સ્થિર દંપતી સુખ ન મળ્યું. વિનોદ મહેરા સાથેના સંબંધો ક્યારેય જાહેરમાં સ્વીકારાયા નહીં, જ્યારે વર્ષ 1990માં તેમના પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લેતા રેખાનું વિવાહિત જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું.

સદાબહાર ફિલ્મો
'સિલસિલા', 'ખૂન ભરી માંગ', 'સુહાગ', 'મિસ્ટર નટવરલાલ', 'ઉમરાવ જાન', 'મુકદ્દર કા સિકંદર', 'ખુબસૂરત', 'કામસૂત્ર' અને 'કોઈ મિલ ગયા' જેવી ક્લાસિક ફિલ્મો દ્વારા રેખા આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. બોલિવૂડની આ મહાન અભિનેત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati