નિતિન પટેલ, સાબરકાંઠાઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સૂર્યદેવ જાણે અગનગોળા ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગરમીના પ્રકોપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ભરચક રહેતા હાઈવે પણ સુમસામ ભાસી રહ્યા છે. જુઓ અમારો ખાસ અહેવાલ...
સાબરકાંઠા જિલ્લામાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
ખાસ કરીને પથ્થરોની નગરી ગણાતા ઈડરમાં આજે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે હિંમતનગર પણ 42 ડિગ્રી સાથે શેકાયું હતું. બપોરના સમયે રસ્તાઓ પર જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી-મુંબઈને જોડતા નેશનલ હાઈવે, જે હંમેશા વાહનોથી ધમધમતો હોય છે, ત્યાં પણ ગરમીના કારણે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
આ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો હવે કુદરતી પીણાંનો સહારો લઈ રહ્યા છે. હાઈવે પર ઠેર-ઠેર આવેલા જ્યુસ અને શેરડીના રસના કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વેચાણના આંકડા પર નજર કરીએ તો, ગરમીની શરૂઆતમાં જ્યાં દિવસના 200 થી 300 શેરડીના રસના ગ્લાસનું વેચાણ થતું હતું, ત્યાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી વધતા આ આંકડો સીધો 1000 ગ્લાસ પર પહોંચી ગયો છે. લોકો ગરમીથી રાહત મેળવવા પાણી, છાશ અને જ્યુસનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે.
હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પ્રવાહીનું સેવન વધારવા અપીલ કરવામાં આવી છે.

