નીતીન પટેલ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અને નાગરિકો જે ક્ષણની લાંબા સમયથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો અંત આવ્યો છે. જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ વિધિવત રીતે પોતાની હાજરી પુરાવી છે. હિંમતનગર, ઈડર અને વિજયનગર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના અમીછાંટણા થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.
ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ ચાલુ વર્ષે ચોમાસું પાકની વાવણી કરી દીધા બાદ ખેડૂતો વરસાદની તાતી જરૂરિયાત અનુભવી રહ્યા હતા. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે વાવણી નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. તેવામાં આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.
કૃષિ નિષ્ણાતો અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વરસાદને કારણે મુખ્ય ચોમાસું પાક જેવા કે મગફળી અને કપાસને બહુ મોટો ફાયદો થશે. આ ઉપરાંત પંથકમાં મોટા પાયે થતા શાકભાજીના પાક માટે પણ આ વરસાદી પાણી અમૃત સમાન સાબિત થશે, જેથી પાકનો ઉતારો સારો આવવાની આશા જાગી છે. આમ, સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાના આગમનથી મુરઝાતી ખેતીને નવું જીવનદાન મળ્યું છે અને જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

