તોરલ કવિખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પ્રોવિડન્ટ ફંડ (PF)ના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ હવે ₹15,000ના વેતન પર 12 ટકા એટલે કે મહત્તમ ₹1,800નું જ PF યોગદાન ફરજિયાત રહેશે. તેનાથી વધુ રકમ PFમાં જમા કરાવવી કે નહીં, તેનો નિર્ણય કર્મચારી પોતાની ઇચ્છા મુજબ લઈ શકશે.
નવા નિયમથી શું બદલાશે?EPFOનું માનવું છે કે આ ફેરફારથી કર્મચારીઓને પોતાની નિવૃત્તિની બચત અંગે વધુ સ્વતંત્રતા મળશે. હાલ ખાનગી ક્ષેત્રમાં મોટાભાગની કંપનીઓ CTC (Cost to Company) મોડલ પર પગાર નક્કી કરે છે. નવા નિયમો બાદ કંપનીઓ અને કર્મચારીઓ બંને માટે સેલરી સ્ટ્રક્ચરમાં વધુ ફેરફાર આવશે.
જોકે, EPFOની સભ્યતા માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પહેલા શું નિયમ હતો?અગાઉ EPF યોજના હેઠળ ₹15,000ની મર્યાદા માત્ર એ નક્કી કરવા માટે હતી કે કર્મચારી માટે EPFમાં જોડાવું ફરજિયાત છે કે નહીં. પરંતુ એકવાર કર્મચારી EPFમાં જોડાઈ જાય પછી, ઘણા કિસ્સામાં તેની સંપૂર્ણ બેઝિક સેલરીના આધારે PF યોગદાન થતું હતું અને કંપનીએ પણ તેટલું જ યોગદાન આપવું પડતું હતું.
PFમાંથી પૈસા ઉપાડવાના નિયમ પણ થયા સરળEPFOએ PFમાંથી રકમ ઉપાડવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પૈસા ઉપાડવાના 13 અલગ-અલગ કારણો હતા, જેને હવે ઘટાડીને માત્ર ત્રણ મુખ્ય કેટેગરીમાં સમાવી દેવામાં આવ્યા છે. • જરૂરી જરૂરિયાતો: ગંભીર બીમારી, ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન. • રહેઠાણ: ઘર ખરીદવું અથવા નવું મકાન બનાવવું. • વિશેષ પરિસ્થિતિ: ખાસ સંજોગોમાં પાત્રતા મુજબ PFની 100 ટકા સુધીની રકમ ઉપાડી શકાશે.
જોકે, નવા નિયમો મુજબ ખાતામાં ઓછામાં ઓછું 25 ટકા બેલેન્સ જાળવવું ફરજિયાત રહેશે.
નોંધ: આ ફેરફારો નવા લેબર કોડને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. સંબંધિત નિયમો અમલમાં આવવાની તારીખ અંગે EPFO તરફથી સત્તાવાર સૂચના જાહેર થયા બાદ જ તે લાગુ થશે.

