શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના શરણોમાં ભાવિકોનું ઘોડાપૂર પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પવિત્ર દિવસે શિવભક્તો સોમવારનું વ્રત રાખીને ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
દર્શનાર્થીઓ માટે સોમનાથ ટ્રસ્ટનું સુચારુ આયોજન ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા તથા અન્ય સુવિધાઓનું કડક આયોજન કરવામાં આવ્યું છે.

