Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surat Rain: માત્ર 2 દિવસમાં 18 ઈંચ વરસાદ! સુરત બન્યું જળનગરી, રસ્તા પર બોટ ચાલી, શાળા-કોલેજો અને કાપડ માર્કેટ બંધ

Surat Rain: માત્ર 2 દિવસમાં 18 ઈંચ વરસાદ! સુરત બન્યું જળનગરી, રસ્તા પર બોટ ચાલી, શાળા-કોલેજો અને કાપડ માર્કેટ બંધ

હીરા અને કાપડ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું સુરત શહેર છેલ્લા બે દિવસમાં પડેલા 18 ઈંચથી વધુ વરસાદના કારણે જળબંબાકાર બની ગયું છે. 6 અને 7 જુલાઈ દરમિયાન સતત વરસેલા ધોધમાર વરસાદે શહેરના રસ્તા, રહેણાંક વિસ્તારો અને બજારોને પાણીમાં ડૂબાડી દીધા છે. સ્લમ વિસ્તારથી લઈને પોશ સોસાયટીઓ સુધી દરેક જગ્યાએ પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ ફોસ્ટા દ્વારા સુરતની કાપડ માર્કેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોની સુરક્ષા જળવાઈ રહે.
ચાર ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત શહેર ઉપરાંત કામરેજ, પલસાણા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી. ખાડીઓનું પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં અનેક રહેણાંક વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા હતા. અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે વાહનોની જગ્યાએ બોટ ચલાવવાની નોબત આવી ગઈ હતી. ભારે પાણી ભરાવાને કારણે સિટી બસ, BRTS અને એસટી બસ સેવા પણ ઠપ થઈ ગઈ હતી.
માત્ર બે દિવસમાં 18 ઈંચ વરસાદ, કરોડોનું નુકસાન થવાની આશંકા
6 જુલાઈના રોજ બપોર પછી શરૂ થયેલા વરસાદે શહેરમાં લગભગ 5 ઈંચ વરસાદ વરસાવ્યો હતો. ત્યારબાદ 7 જુલાઈએ ફરી ભારે વરસાદ શરૂ થતાં દિવસભરમાં વધુ 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરના કેટલાક ઝોનમાં તો માત્ર બે કલાકમાં જ 5થી 9 ઈંચ વરસાદ પડ્યો હતો. પરિણામે સુરતમાં આ સિઝનનો કુલ વરસાદ 30 ઈંચ સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદનું પાણી અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરી અને વેપારીઓના માલને મોટું નુકસાન થયું છે. પાણી ઓસર્યા બાદ જ વાસ્તવિક નુકસાનનો અંદાજ આવી શકશે.
9 લોકોના મોત, તંત્ર એલર્ટ મોડમાં
આ બે દિવસના વરસાદ દરમિયાન વીજકરંટ લાગવો, ઝાડ પડવું અને વીજળી પડવા જેવી ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે હજુ પણ સુરત અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે. શહેરમાં પાણી કાઢવાની કામગીરી, બચાવ કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનું કામ સતત ચાલુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati