દિવ્યેશ પરમાર, સુરતસુરત શહેરમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી અસામાજિક પ્રવૃત્તિઓ ફરી એકવાર સામે આવી છે. થોડા સમય અગાઉ પાંડેસરા વિસ્તારમાં SOG પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી કામગીરીમાં ઝડપાયેલ નકલી પનીરના કૌભાંડમાં હવે રિપોર્ટ આવતા મોટો ધડાકો થયો છે. આ મામલામાં લેબ રિપોર્ટ ફેલ જતાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.
આ જથ્થાના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ 25 દિવસ બાદ જાહેર થયો છે. રિપોર્ટમાં પનીરના નમૂના ફેલ ગયા છે અને તેમાં ફેટની માત્રા ખૂબ જ ઓછી હોવાનું તેમજ પામ ઓઇલનું ભેળસેળ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. અત્યાર સુધી SOG પોલીસ આ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. હવે રિપોર્ટ પોઝિટિવ આવતા, આ નકલી પનીર બનાવનાર અને વેચનાર વેપારી સામે કડક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઊભો કર્યો છે.

