સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતા નકલી તબીબો સામે SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લખતર તાલુકાના તલસાણા ગામના એક યુવકને કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથી સારવાર આપતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. આ નકલી ડોક્ટર નાની કઠેચી ગામમાં પોતાની ગેરકાયદેસર ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOGની આ કડક કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા અન્ય બોગસ ડોક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મેડિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈઆ ગંભીર બેદરકારી અને છેતરપિંડીના મામલે પકડાયેલા આરોપી સામે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ-30 હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. SOG દ્વારા નકલી ડોક્ટરની અટકાયત કર્યા બાદ તેને આગળની કાનૂની પ્રક્રિયા માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે પાણશીણા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં તે ક્યારથી આ ક્લિનિક ચલાવતો હતો તેની પૂછપરછ કરાશે.

