Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vadodara Fire: અટલાદરામાં ખાનગી હોસ્પિટલ પાસેની બિલ્ડિંગમાં શોર્ટસર્કિટથી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ

Vadodara Fire: અટલાદરામાં ખાનગી હોસ્પિટલ પાસેની બિલ્ડિંગમાં શોર્ટસર્કિટથી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ

ડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાંથી એક આગની ઘટના સામે આવી છે. અટલાદરામાં આવેલી એક જાણીતી ખાનગી હોસ્પિટલની બિલકુલ નજીક આવેલી એક નિર્માણધીન બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા અડધો કિલોમીટર દૂર સુધી આકાશમાં ઉડતા દેખાયા હતા, જેને પગલે સ્થાનિકો અને હોસ્પિટલમાં હાજર દર્દીઓના સગા-સંબંધીઓમાં ભારે ભય વ્યાપી ગયો હતો.
મળતી માહિતી મુજબ અટલાદરામાં આવેલી ખાનગી કંપનીની, આ અધૂરી બિલ્ડિંગના પરિસરમાં મોટા પ્રમાણમાં સ્ક્રેપ મટીરિયલ (ભંગાર અને પ્લાસ્ટિકનો કચરો) પડ્યો હતો. કોઈ અજ્ઞાત કારણોસર અથવા તો શોર્ટસર્કિટના કારણે આ સ્ક્રેપમાં પ્રથમ આગ લાગી હોવાની આશંકા છે. પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત સ્ક્રેપ મટીરિયલ હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ઈમારતને લપેટમાં લઈ લીધી હતી. આગ જ્યાં લાગી તેની બિલકુલ બાજુમાં જ ખાનગી હોસ્પિટલ આવેલી હોવાથી વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં ભરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, આગના કારણે આસપાસના વાતાવરણમાં થોડો સમય માટે પ્રદૂષણ અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati