Tuesday, 04 Aug, 9.51 pm Vatsalya News

હોમ
Covid-19 મહામારીના સંક્રમણ સંદર્ભે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી હૈદરે રાજપીપલા અને કેવડિયા કોલોની ખાતે યોજેલી સર્વગ્રાહી સમીક્ષા બેઠક

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ૩૦૦ સુધીની અને કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦૦ સુધીની દરદીઅો માટેની પથારીની સુવિધા ક્ષમતા વધારવા જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરનો અનુરોધ

કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં દરદીઅોની જરૂરિયાત મુજબ તબક્કાવાર પથારીની સુવિધા ક્ષમતા વધારવાના આયોજન સાથે હાથ ધરાયેલી જરૂરી કામગીરી

પરેશ બારીયા

એન્ટીજન (રેપિડ) ટેસ્ટની સંખ્યામાં મહત્તમ વધારો કરવાની સાથે ધનવંતરી રથમાં ઓ.પી.ડી. દરદીઅોની સંખ્યા બમણી કરવા સહિત સર્વેલન્સ કામગીરી અને વાયરસના સંક્રમણ સામેની લોકજાગૃતિ (IEC) પ્રવૃત્તિ વધુ સઘન બનાવવા શ્રી હૈદરની હિમાયત

Covid-19 મહામારીના સંક્રમણ સંદર્ભે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી હૈદરે રાજપીપલા અને કેવડિયા કોલોની ખાતે યોજેલી સર્વગ્રાહી સમીક્ષા બેઠક

રાજપીપલા, સોમવાર :- ગુજરાત માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદરે તાજેતરમાં તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેકટરાલય ખાતે Covid-19 મહામારીને અનુલક્ષીને કોરોના વાયરસના સંક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા આરોગ્યતંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે તેમજ કેવડીયા કોલોની સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ,આરોગ્ય વિભાગ, વન વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે અલાયદી બેઠકો યોજીને જિલ્લામાં કોરોના વાયરસ અંગે પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરીને તેઓશ્રીએ વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે કેટલાક સૂચનો અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

નર્મદા જીલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલિયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે. વ્યાસ, પ્રાયોજના વહીવટદારશ્રી બી.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે. પી. પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડૉ. આર. એસ. કશ્યપ તેમજ કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ સાથે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતાં જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરે જિલ્લામાં Covid-19 કોરોના વાયરસના પોઝિટિવ દરદીઓની સંખ્યાને અનુલક્ષીને રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં હાલની ૧૭૦ ની પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ ૩૦૦ સુધી વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં પણ હાલની ૨૦૦ પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ વધારીને ૧૦૦૦ પથારી સુધી સુવિધા ક્ષમતા ઉપલબ્ધ થાય તે જોવા પણ તેમણે ખાસ ભાર મુકયો હતો. જે સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં ૩૦ પથારી તેમજ બીજા અને ત્રીજા તબક્કામાં ૫૦-૫૦ પથારીની સુવિધા ક્ષમતા વધારીને કુલ-૩૦૦ સુધીની પથારીની સુવિધા ક્ષમતા વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં વધુ ૩૦૦ પથારી અને બીજા તબક્કામાં વધુ ૫૦૦ પથારીની સુવિધા સાથે કુલ-૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન હાથ ધરીને તે દિશાની કામગીરી આરંભી દેવામાં આવી છે.

જિલ્લામાં હાલમાં સંબંધિત વિભાગોના નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ ન હોય તેવા તબીબોની સેવાઓ IMA-વડોદરાની શાખા મારફત ઉપલબ્ધ થાય તે જોવાની પણ શ્રી હૈદરે હિમાયત કરી હતી.

જિલ્લાના કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં લોકોની અવર- જવર ઉપરના પ્રતિબંધનો સખ્તાઈથી અમલ કરવા, લોકો દ્વારા માસ્ક પહેરવા માટેનો ચુસ્ત અમલ કરવા,આરોગ્ય ટુકડીઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા, એન્ટીજન (રેપિડ) ટેસ્ટની સંખ્યામાં મહત્તમ વધારો કરવા, ધનવંતરી રથ મારફત દરદીઓને અપાતી અો.પી.ડી સારવારની સંખ્યા બમણી કરવા સહિત કોરોના વાયરસના સંક્રમણની સામે અગમચેતી-લોકજાગૃતિની (IEC) પ્રવૃત્તિ વધુ સઘન બનાવવાની પણ શ્રી હૈદરે સૂચના આપી હતી.

ત્યારબાદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ.જે. હૈદરે કેવડિયા કોલોનીમાં સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ, આરોગ્ય અને વન વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે પણ બેઠક યોજીને Covid-19 વાયરસના સંક્રમણ સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં પર્યટનનું વિશાળ કેન્દ્ર છે, ત્યારે આ સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાં ખૂબજ મહત્વના હોવાનું તેમણે જણાવ્યું હતું.

કેવડિયા કોલોનીના સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મદદનીશ કમિશનરશ્રી અને નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબે, પ્રાંત અધિકારીશ્રી કે. ડી. ભગત, SDPO સુશ્રી વાણી દૂધાત, કેવડીયાના નાયબ કલેકટર અને વહીવટદારશ્રી નિકુંજ પરીખ, પ્રોટોકોલના નાયબ કલેકટરશ્રી બી. એ. અસારી, નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરશ્રી એમ. એલ. પટેલ, બ્લોક હેલ્થ ઓફિસરશ્રી ડૉ. અે. કે. સુમન વગેરે સહિતના અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા શ્રી હૈદરે વધુમાં ઉમેર્યુ હતું કે, વિકાસની સંભાવનાઅો ક્ષેત્રે નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી પામેલ છે, ત્યારે અહીંના સ્થાનિક લોકોને અને ખાસ કરીને મહિલાઓને તેમના કૌશલ્ય મુજબ રોજગારીની સારી તકો મળી રહે તે અંગે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેઓશ્રીએ લોકડાઉનના સંદર્ભમાં ગ્રામજનોની રોજગારીની પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી માહિતગાર થયા હતા. તેમણે તાજેતરમાં હાથ ધરાયેલ કેળાની છાલમાંથી ફાઇબર (રેસા) બનાવવાના વિશેષ પ્રોજેક્ટ અંગેની પણ જાણકારી આપી હતી. આ બેઠકમાં કેવડીયા અને આસપાસના ગામોના પ્રશ્નો અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top