હોમ
મોરબીમાં કોરોના વેક્સીનનું સફળ ડ્રાય રન

મોરબીમાં કોરોના વેક્સીનનું સફળ ડ્રાય રન
કોરોના રસીકરણ માટે સમગ્ર વહિવટી તેમજ આરોગ્ય તંત્ર સજ્જ
કલેક્ટર જે.બી. પટેલ, ડીડીઓશ્રી પી.જે. ભગદવેના સીધા નિરીક્ષણ હેઠળ કરાયું આયોજન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં કોવીડ-૧૯ના વેક્સીનેશન અંગેની કામગીરી ચાલી રહી છે. મોરબી જિલ્લામાં પણ વેક્સીનેશન કરવા અંગે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબીમાં પાંચ સ્થળો પર ડ્રાય રનનું સુચારુ વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતું.
રસીકરણના પૂર્વાભ્યાસની સાથે અગમચેતીના તમામ પગલાની સાથે મોરબીના ટંકારા ખાતે કલેક્ટરશ્રી જે.બી. પટેલ, મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ડીડીઓ પી.જે. ભગદેવ અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદની મોડર્ન સ્કુલ ખાતે હળવદ પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર ગંગાસિંઘ, વાકાંનેર ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાના સીધા નિરીક્ષણ હેઠળ સમગ્ર ડ્રાય રનનું આયોજન કરાયું હતું.
કોવીડ-૧૯ની વેક્સીનેશન અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મંગળવારે યોજાયેલ આ ડ્રાય રનમાં તમામ સ્થાનો પર ૨૫-૨૫ વ્યક્તિઓને બોલાવવામાં આવેલ હતા. વેક્સીન આપવાની સમગ્ર કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપરાંત હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, ફિમેલ હેલ્થ વર્કર્સ, આશા વર્કર્સ દ્વારા સુચારુ કામગીરી કરેલ હતી. ડ્રાય રન અંગેની સમગ્ર કાર્યવાહીનું કો-વિન એપ દ્વારા રીયલ-ટાઇમ મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન થકી આગામી સમય માટે કોરોના રસીકરણની પ્રક્રિયાની સંપૂર્ણ તૈયારીની પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઇ હતી.
ડ્રાય રન માટે આવતા લાભાર્થીઓને પ્રવેશ આપતા પહેલા હાથ સેનેટાઇઝ કરાવવા, લાભાર્થીઓ વચ્ચે ૬ ફુટનું અંતર જાળવી રાખવું, રજિસ્ટ્રેશનની કામગીરી, વેક્સીનેશન અને વેક્સીનનો ડોઝ આપ્યા બાદ ૩૦ મિનીટ સુધી ઓબઝર્વેશન સહિતની સમગ્ર કામગીરી પર સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડ્રાય રનની સમગ્ર પ્રક્રિયાઃ
પહેલેથી નોંધાયેલ વેક્સિન લેનાર ઉપભોક્તાનું CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયેલ હોય છે. તેને મોબાઇલના મેસેજ મારફતે વેક્સીન લેવા અંગેની સંપૂર્ણ માહિતી સાથેનો મેસેજ મોકલી આપવામાં આવે છે. આવા ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. પ્રથમ નામની ચકાસણી અને ત્યાર બાદ મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડી સતત નિરીક્ષણ કરવામાં આવે છે.