Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28000 થી વધુ ટ્રક ડ્રાઇવરના લાયસન્સ રદ

અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28000 થી વધુ ટ્રક ડ્રાઇવરના લાયસન્સ રદ

મેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બિન-અમેરિકન અને અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે મોટું અને કડક પગલું ભર્યું છે. વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મંગળવારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમેરિકામાં 28,000થી વધુ અપ્રવાસી ટ્રક ડ્રાઇવરોના કોમર્શિયલ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ ડ્રાઇવરોની જગ્યાએ હવે અમેરિકન સેનાના નિવૃત્ત જવાનો (પૂર્વ સૈનિકો)ને ટ્રક ડ્રાઇવિંગના ક્ષેત્રમાં લાવવા માટે સરકારે એક ખાસ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે.

આ સિવાય, રાજ્યો સાથે મળીને અપ્રવાસી ડ્રાઇવરોને મદદ કરતી 9,500 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલોને પણ બંધ કરી દેવામાં આવી છે.

અમેરિકામાં અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે આ કડક કાર્યવાહી ઓગસ્ટ 2025માં ફ્લોરિડામાં થયેલા એક ભીષણ અકસ્માત બાદ શરૂ થઈ હતી. ફ્લોરિડામાં એક ભારતીય ટ્રક ડ્રાઇવરે ગેરકાયદેસર રીતે યુ-ટર્ન લેતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. અમેરિકન પરિવહન મંત્રી શોન ડફીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, 'ફ્લોરિડા દુર્ઘટના માટે જવાબદાર ભારતીય ડ્રાઇવરને શરૂઆતમાં લાઇસન્સ મળવું જ જોઈતું નહોતું. જે ગેરકાયદેસર અપ્રવાસીઓ અમારી ભાષા બોલી શકતા નથી, તેમને મોટા ટ્રક ચલાવવાનો કોઈ અધિકાર નથી.'

ફ્લોરિડાની ઘટના બાદ અમેરિકન પરિવહન વિભાગે ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી ભાષાના નિયમનું પાલન અત્યંત કડક બનાવી દીધું છે. સારી અંગ્રેજી ન બોલી કે વાંચી શકતા હોય તેવા આશરે 24,000થી વધુ ગેર-નાગરિકોના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 26,000થી વધુ ડ્રાઇવરોને રસ્તા પરથી હટાવી દેવાયા છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અંદાજે 1.3 લાખથી 1.5 લાખ ટ્રક ડ્રાઇવરો ભારતના પંજાબ અને હરિયાણા રાજ્યમાંથી આવેલા છે, જેના કારણે ટ્રમ્પ સરકારના આ નિર્ણયની સૌથી માઠી અસર ભારતીય ડ્રાઇવરો પર પડવાની શક્યતા છે.

અપ્રવાસી ડ્રાઇવરોને હટાવવાની સાથે ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત તાજેતરમાં મોટા લશ્કરી વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકન સેનાના પૂર્વ સૈનિકોને કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના સ્કીલ ટેસ્ટમાં છૂટછાટ આપવામાં આવશે. અમેરિકન પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ સરકારની આ પહેલનો મુખ્ય હેતુ અમેરિકાના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાનો, ખતરનાક વિદેશી ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવાનો અને સ્થાનિક અમેરિકન ટ્રક ડ્રાઇવરોને મદદ કરવાનો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar