Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભરૂચ જિલ્લાના ખેડૂતો ફરી વાર આંદોલનના માર્ગે

ભરૂચ જિલ્લાના ખેડૂતો ફરી વાર આંદોલનના માર્ગે

સમીર પટેલ, ભરૂચ

રૂચ જિલ્લાના છ તાલુકાના ખેડૂતોએ પોતાના હક્કો અને વર્ષોથી પડતર વિવિધ પ્રશ્નોના કાયમી ઉકેલની માંગ સાથે આજે ભરૂચ તાલુકાના દયાદરા-દેરોલ ગામેથી વિશાળ 'ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રા' યોજી હતી. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને વાહનો સાથે ખેડૂતો રેલી સ્વરૂપે નીકળ્યા હતા. જોકે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે હેતુથી પોલીસે કંથારીયા ખાતે જ રેલીને અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

ખેડૂતોની આ યાત્રા કંથારીયા, જંબુસર ચોકડી, શેરપુરા, શ્રવણ ચોકડી અને શક્તિનાથ સર્કલ થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચવાની હતી. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોના કાયમી ઉકેલની રજૂઆત કરવાની હતી. જોકે, કંથારીયા ખાતે પોલીસે રેલીને અટકાવી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. બાદમાં વહીવટી તંત્ર દ્વારા માત્ર પાંચ ટ્રેક્ટરોને જ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ
ખેડૂતોએ પાવરગ્રીડ, જેટકો અને એસ્સાર સહિતની કંપનીઓની હાઈટેન્શન વીજ લાઈનો માટે યોગ્ય વળતર નીતિ જાહેર કરવાની, ખેડૂત વિરોધી પરિપત્રો રદ કરવાની તેમજ ખેડૂતો અને ખેતમજૂરો માટે વીમા કવચ આપવાની માંગ કરી હતી.

આ ઉપરાંત વર્ષ 2017માં થયેલા પ્રમોલગેશન એટલે કે જમીન રી-સર્વે બાદ માપણી અને ક્ષેત્રફળમાં થયેલી ગંભીર ક્ષતિઓના કારણે હજારો અરજીઓ પેન્ડિંગ હોવાનો આક્ષેપ કરી ક્ષતિગ્રસ્ત રી-સર્વે તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

બુલેટ ટ્રેન,ભારતમાલા એક્સપ્રેસવે અને DFC જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટોના કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો મુદ્દો પણ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ખેતરોમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી.

જંબુસર અને આમોદ સહિતના વિસ્તારોમાં ખાતરની અછત દૂર કરવા, વર્ષોથી બંધ કરાયેલ પાક વીમો પુનઃ શરૂ કરવા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.
'માંગણીઓનો ઉકેલ નહીં આવે તો બમણી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે આવીશું'

ખેડૂત આગેવાન નોફલ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રને સહકાર આપી ગાંધીચિંધ્યા માર્ગે પોતાની રજૂઆત કરવા નીકળ્યા છે. સરકાર ખેડૂતલક્ષી હોવાના દાવા કરે છે, પરંતુ જમીન રી-સર્વે, વીજ લાઈનોનું યોગ્ય વળતર અને રાષ્ટ્રીય પ્રોજેક્ટોના કારણે ખેતરોમાં ભરાતા પાણી સહિતના પ્રશ્નો વર્ષોથી યથાવત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાતર મેળવવા માટે પણ ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જો સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આનાથી બમણી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો સીધા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે.

ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા દરમિયાન પોલીસ દ્વારા અટકાવવામાં આવતા સર્જાયેલા ઘર્ષણને પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું.જોકે,વહીવટી તંત્ર દ્વારા સમાધાનરૂપે પાંચ ટ્રેક્ટરોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar