Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત

ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત

ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાંથી એક અત્યંત ભયાનક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી 'લિયુશેનયુ' કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ગેસ વિસ્ફોટ થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 82 શ્રમિકના મોત નીપજ્યા છે, જ્યારે 9 શ્રમિક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને છેલ્લા એક દાયકામાં ચીનની અંદર બનેલી સૌથી ઘાતક ખાણ દુર્ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે.

ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ કિનયુઆન કાઉન્ટીમાં આવેલી લિયુશેનયુ કોલસાની ખાણમાં થયો હતો. જે સમયે આ ગેસ બ્લાસ્ટ થયો તે સમયે ખાણની અંદર કુલ 247 શ્રમિક રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે શ્રમિકને બહાર નીકળવાની તક જ નહોતી મળી. જોકે, રાહતની વાત એ છે કે 200થી વધુ શ્રમિકને સુરક્ષિત રીતે જમીનની બહાર કાઢી લેવામાં આવ્યા છે. શરૂઆતના અહેવાલોમાં માત્ર આઠ લોકોના મોતના સમાચાર હતા, પરંતુ જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી તેમ તેમ મૃત્યુઆંક અચાનક વધીને 82 પર પહોંચી ગયો હતો.

આ ભયાનક દુર્ઘટનાબાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે તાત્કાલિક એક્શન લીધા છે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે ઈજાગ્રસ્તોની સારવાર અને શોધખોળ અભિયાનમાં કોઈ કસર છોડવામાં ન આવે. આ સાથે જ તેમણે અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કાયદા અનુસાર કડક જવાબદારી નક્કી કરવાનો આદેશ આપ્યો છે. વડાપ્રધાન લી કિયાંગે પણ સમયસર અને સચોટ માહિતી જાહેર કરવા તેમજ બેદરકારી બદલ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.

આ ગંભીર બેદરકારી બદલ ખાણ માટે જવાબદાર કંપનીના ઉચ્ચ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ચીને 2000ના દાયકાની શરૂઆતથી કોલસાની ખાણોમાં સુરક્ષાના કડક નિયમો લાગુ કરીને અકસ્માતોની સંખ્યામાં ઘણો ઘટાડો કર્યો હતો, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે. હાલમાં ઘટનાસ્થળે સેંકડો બચાવકર્મીઓ દ્વારા ગુમ થયેલા 9 શ્રમિકને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar