Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાલોલ તાલુકાના સુરેલી ગામે શાકભાજીની ના પાડતા યુવકને લાકડાના ડંડાથી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ.

કાલોલ તાલુકાના સુરેલી ગામે શાકભાજીની ના પાડતા યુવકને લાકડાના ડંડાથી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ.

તારીખ ૦૩/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના સુરેલી ગામે શાકભાજી વેચીને પરત ફરી રહેલા એક યુવક પાસે ગામના જ એક શખ્સે શાકભાજી માંગતા, યુવકે શાકભાજી ખલાસ થઈ ગઈ હોવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે લાકડાના ડંડા વડે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેલી ગામના ચોરાડુંગળી રોડ પર રહેતા હંસાબેન અજીતસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૨૫ જૂન ૨૦૨૬ના રોજ તેમનો દિયર રતનસિંહ કિરણસિંહ સોલંકી ખેતરના રીંગણ અને ભીંડા થેલીમાં ભરીને ગામમાં છૂટક વેચવા નીકળ્યો હતો. સાંજના આશરે પાંચેક વાગ્યે જ્યારે તે શાકભાજી વેચીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ગામના જ મોટા ફળિયામાં રહેતા ફતેસિંહ શનાભાઈ સોલંકીએ તેને રોક્યો હતો અને શાકભાજીની માંગણી કરી હતી. રતનસિંહે 'મારી પાસે શાકભાજી નથી' તેમ કહેતા જ આરોપી ફતેસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.

ડંડા વડે બેરહેમીથી માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી

રતનસિંહે ગાળો બોલવાની ના પાડતા આરોપી વધુ રોષે ભરાયો હતો અને નજીકમાંથી લાકડાનો ડંડો લાવી રતનસિંહને બરડાના ભાગે, બંને હાથે તથા બંને પગે આડેધડ ફટકારી દીધા હતા. મારના કારણે રતનસિંહ નીચે પડી જતા આરોપીએ તેને ધમકી આપી હતી કે, 'આજે તો તું બચી ગયો છે, પણ હવે પછી જો તું મને એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશ.' હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલો રતનસિંહ માંડ-માંડ બેભાન જેવી હાલતમાં ઘરે પહોંચ્યો હતો

શરૂઆતમાં પરિવાર દ્વારા રતનસિંહની ઘરગથ્થુ સારવાર કરવામાં આવી હતી, પરંતુ ૨૯ જૂનના રોજ તેના બંને હાથ અને પગમાં અતિશય સોજો આવી જતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને વધુ સારવાર માટે દાખલ કર્યો છે. અને દવા-સારવારમાં રોકાયેલા હોવાને કારણે ફરિયાદ મોડી થઈ હોવાનું જણાવી, અંતે ભોગ બનનારની ભાભી હંસાબેને વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ફતેસિંહ શનાભાઈ સોલંકી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar