- 27 ઓગસ્ટે વસ્રાપુરના ઔડા ગાર્ડનમાં યોજાયેલા વાંચન સત્રમાં આશરે 40 લોકો જોડાયા હતા
- મલાલાનું પુસ્તક કેમ વાંચો છો? તેવો સવાલ કરીને લોકો પર હુમલો કર્યો
- એસવાયસીએ કડક કાર્યવાહીની માગ કરી, 3 આરોપીઓને જામીન મળતાં નારાજગી
- આયોજકોના આરોપ મુજબ ભગતસિંહ સહિતનાં પુસ્તકો ફાડ્યાં અને અનેક લોકોને ઈજા પહોંચાડી
અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે પુસ્તક વાંચવા માટે ભેગા થયેલા યુવાઓ પર બજરંગ દળના સભ્યોએ હુમલો કરલાનો બનાવ બન્યો છે.
સ્ટુડન્ટ એન્ડ યુથ કલેક્ટિવ અમદાવાદ (SYCA) અને ગુજરાત રીડ્સ એનિવેના જણાવ્યા મુજબ, 27 ઓગસ્ટે વસ્રાપુરના ઔડા ગાર્ડનમાં યોજાયેલા વાંચન સત્રમાં ઘૂસેલા લોકોએ લાકડીઓ અને હોકી સ્ટિકથી હુમલો કર્યો, કેટલાક લોકોને માર માર્યો અને પુસ્તકો ફાડી નાખ્યાં. સંગઠને સમગ્ર ઘટનાની નિંદા કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરી છે.
બંને સંગઠનોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 27 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ઔડા ગાર્ડન, ડીઈઓ ઓફિસ પાસે વાંચન સત્ર યોજાયું હતું. એસવાયસીએ અને ગુજરાત રીડ્સ એનિવે દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 40 વિદ્યાર્થીઓ અને રહીશો જોડાયા હતા. આયોજકોના જણાવ્યા મુજબ બંને સંગઠનો સ્વયંસેવકો દ્વારા ચાલે છે અને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ ધરાવતા નથી. કાર્યક્રમની માહિતીમાં તેને મુક્ત વિચારને સમર્થન આપતાં પુસ્તકોના શાંતિપૂર્ણ વાંચન તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
મીડિયાએ પણ કાર્યક્રમનું કવરેજ કર્યું હતું. સર્કલમાં ઍન ફ્રેન્કનું 'ધ ડાયરી ઑફ અ યંગ ગર્લ' અને મલાલા યુસુફઝાઈનું 'આઈ એમ મલાલા' સહિતનાં પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં. આયોજકોના જણાવ્યા મુજબ, સાંજે આશરે 5.30 વાગ્યે કેટલાક લોકો બગીચાના દરવાજા પાસે હોકી સ્ટિક સાથે આવી પહોંચ્યા હતા. સાંજે 6 વાગ્યે કાર્યક્રમ પૂરો થતો હતો ત્યારે તેઓ વાંચન કરનારાઓ પાસે આવ્યા અને કાર્યક્રમના હેતુ અંગે સવાલો કરવા લાગ્યા હતા. તેમની પાસે ભગવા ધ્વજ અને સ્કાર્ફ હતા અને તેઓ 'જય શ્રી રામ'ના નારા લગાવી રહ્યા હતા. બાદમાં તેમણે પોતાને હિરેન રબારીના નેતૃત્વમાં આવેલા બજરંગ દળના સભ્યો તરીકે પોતાની ઓળખ આપી હતી.
આયોજકોનો આક્ષેપ છે કે આ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું, "પેન્ટ ઉતારીને જોઈ લો કે તે મુસ્લિમ છે કે નહીં. સ્વયંસેવકોએ સ્થિતિ શાંત કરવા ભગતસિંહ અને નહેરુનાં પુસ્તકો પણ બતાવ્યાં, પરંતુ તેઓ સાંભળવા તૈયાર ન થયા.
બજરંગ દળના સભ્યોએ મલાલાનું પુસ્તક કેમ વાંચવામાં આવી રહ્યું છે તે અંગે વારંવાર સવાલ કરતા હતા. જય ઠક્કરે તેમને બેસીને વાત કરવા કહ્યું, પરંતુ તેઓ વાત કરવા તૈયાર ન થયા. પરિસ્થિતિ વણસતી જોઈ જયે સૌને રાષ્ટ્રગીત ગાવાનું સૂચન કર્યું.
રાષ્ટ્રગીત બાદ 'ભારત માતા કી જય'ના નારા લગાવાયા. આયોજકોના જણાવ્યા મુજબ, જયના ખભા હલ્યા હોવાના મુદ્દે તેના પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ મૂકાયો હતો. અન્ય એક વ્યક્તિએ 'ભારત માતા કી જય' ન બોલતાં તેને માર મારવામાં આવ્યો અને ભગતસિંહ સહિતનાં પુસ્તકો ફાડી નાખવામાં આવ્યાં.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે જય ઠક્કર, એમ. શશી કુમાર, સવન ઝાલરિયા, સ્નેહ ભાવસાર સહિતના લોકોને લાકડીઓથી માર મારવામાં આવ્યો. જયને બગીચાની બહાર ખેંચી જઈ પગ, પીઠ, પગના ભાગ, ડાબા હાથની કોણી, માથા અને પેટ પર માર મારવામાં આવ્યો હતો. સ્નેહને પણ માથા, ડાબા હાથ, બંને પગ, કોણી અને પીઠ પર ઈજા થઈ હતી.
સ્વાતિ ગોસ્વામીને હાથથી ખેંચી વાળ ખેંચવામાં આવ્યા હોવાનો અને મૈત્રી છૈયાને પીઠ પર અનેક વખત થપ્પડ મારવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આધ્યા છત્રોલા ઘટનાના વીડિયો બનાવી રહી હતી ત્યારે તેને વીડિયો બંધ નહીં કરે તો તને ગાયબ કરી દઇશુ અને કોઇ શોધી નહીં શકે તેવી એવી ધમકી અપાઈ હોવાનો આરોપ નિવેદનમાં કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ તેનો ફોન છીનવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આયોજકોના જણાવ્યા મુજબ, પોલીસની હાજરીમાં પણ મારપીટ થઈ હતી. એમ. શશી કુમારને પોલીસ વાહનમાં બેસાડતી વખતે તેના કપાળ, આંખ, જડબા અને પીઠ પર લાકડીઓથી મારવામાં આવ્યો હતો અને એક પોલીસકર્મીના હાથ પર પણ ઈજા થઈ હતી. સવનના ચશ્મા તૂટી ગયા હતા અને તેના પગ, માથા તથા કમર પાસે ઈજા થઈ હતી.
એસવાયસીએના જણાવ્યા મુજબ, વાંચન સત્રમાં કોઈ નારા લગાવાયા ન હતા કે કોઇ બેનર પણ નહોતું. ઈજાગ્રસ્તોએ બજરંગ દળના સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને સંગઠન પાસે આરોપોને સમર્થન આપતા વીડિયો પણ છે. જોકે, આ હુમલામાં સામેલ 3 લોકોને જામીન મળતાં સંગઠને નારાજગી વ્યક્ત કરી છે.
એસવાયસીએએ હુમલાની નિંદા કરતાં કહ્યું કે મુક્ત વિચાર અને શાંતિપૂર્ણ રીતે ભેગા થવાના અધિકારને દબાવી શકાય નહીં. સંગઠને પોલીસ પાસે આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

