- આ કાર અલવરના મહારાજા માટે 1927માં તૈયાર કરાઇ હતી
- પ્રાણલાલ ભોગીલાલના કલેક્ષનની બે ઐતિહાસિક કારને ફ્રાન્સના નેશનલ ઓટોમોબાઇલ મ્યુઝિયમમાં બે મહિના માટે પ્રદર્શનમાં રખાશે
- 1936ની મર્સિડીઝ-બેન્ઝ 540કે પણ ફ્રાન્સમાં ખાસ પ્રદર્શન માટે પસંદ થઈ
અમદાવાદના પ્રાણલાલ ભોગીલાલના દાસ્તાન ઓટોવર્લ્ડ મ્યુઝિયમમાં રહેલી 99 વર્ષ જૂની ઐતિહાસિક હિસ્પાનો-સુઈઝા (Hispano-Suiza) એચ6સી કારએ ફ્રાન્સમાં યોજાયેલી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર સ્પર્ધામાં સર્વોચ્ચ 'બેસ્ટ ઓફ શો' એવોર્ડ જીત્યો છે.
અલવરના મહારાજા માટે 1927માં તૈયાર કરાયેલી આ કાર સાથે મ્યુઝિયમની બીજી એક ઐતિહાસિક કારને પણ ફ્રાન્સના રાષ્ટ્રીય ઓટોમોબાઇલ મ્યુઝિયમમાં બે મહિના માટે પ્રદર્શન માટે સ્થાન મળ્યું છે.
1927ની એક્સટેન્ડેડ-વ્હીલબેઝ એચ6સી કારને મ્યુઝે નેશનલ દે લ'ઓટોમોબાઇલ - કલેક્શન શ્લમ્પ્ફ ખાતે યોજાયેલી પ્રથમ કોન્કોર્સ ડી'એલિગન્સ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 'બેસ્ટ ઓફ શો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ કાર 27 અને 28 જૂને ફ્રાન્સના મુલહાઉસ શહેરમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં પ્રાણલાલ ભોગીલાલ કલેક્શનમાંથી આમંત્રિત કરવામાં આવેલી બે કારમાંથી એક હતી. બીજી કાર 1936ની મર્સિડીઝ-બેન્ઝ 540કે હતી. હવે આ બંને કાર ફ્રાન્સના રાષ્ટ્રીય ઓટોમોબાઇલ મ્યુઝિયમમાં આગામી બે મહિના સુધી પ્રદર્શન માટે રાખવામાં આવશે.
1927ની હિસ્પાનો-સુઈઝા મૂળ અલવરના મહારાજા જયસિંહ પ્રભાકર માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. બાદમાં આ કાર પ્રાણલાલ ભોગીલાલના કલેક્શનનો ભાગ બની હતી. આ કલેક્શનમાં યુરોપિયન અને અમેરિકન ઐતિહાસિક મહત્વ ધરાવતી અનેક દુર્લભ કાર સામેલ છે.
દાસ્તાન ઓટોવર્લ્ડ મ્યુઝિયમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ બંને કાર એશિયાની પ્રથમ ઐતિહાસિક કાર છે, જેને ફ્રાન્સના આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મ્યુઝિયમમાં પ્રદર્શન માટે સ્થાન મળ્યું છે. આ પ્રદર્શન ભારતની સમૃદ્ધ મોટરિંગ હેરિટેજને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી મહત્વપૂર્ણ ઓળખ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ બંને કારની પસંદગી તેમના શાહી ઇતિહાસ, દુર્લભતા અને ઉત્તમ રિસ્ટોરેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અલવરના મહારાજા માટે બનાવાયેલી માત્ર બે એક્સટેન્ડેડ-વ્હીલબેઝ એચ6સી કારમાંથી આ એક છે. પ્રાણલાલ ભોગીલાલ કલેક્શનના સંરક્ષક બ્રિજેશ ચીનાઈએ ફ્રેન્ચ હિસ્પાનો-સુઈઝા ક્લબના પ્રમુખને આ કારને ફરી ફ્રાન્સ લાવવાનું વચન આપ્યું હતું.

બીજી તરફ, 1936ની મર્સિડીઝ-બેન્ઝ 540કેને યાંત્રિક કામગીરી માટે યુરોપ મોકલવામાં આવી હતી. ત્યારબાદ પેરિસમાં ફિવાના રેટ્રોમોબાઇલ સ્ટેન્ડ પર તેને વિશેષ પ્રદર્શન માટે સ્થાન મળ્યું હતું, જ્યાં તેને ફિવા આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યું હતું. ફ્રાન્સની મુલાકાત દરમિયાન અમદાવાદના મ્યુઝિયમના પ્રતિનિધિઓએ ફ્રેન્ચ મ્યુઝિયમના બોર્ડ પ્રમુખ બ્રુનો ફુક્સ સાથે મુલાકાત કરી હતી. બ્રુનો ફુક્સ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીની વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ પણ છે.
બંને પક્ષો વચ્ચે ઐતિહાસિક મહત્વ ધરાવતી કારોની આપ-લે, સંયુક્ત પ્રદર્શનો તેમજ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઓટોમોબાઇલ અને ઔદ્યોગિક સંબંધોને કેન્દ્રમાં રાખીને વિવિધ પહેલો અંગે ચર્ચા થઈ હતી. જોકે, આ માટે કોઈ ઔપચારિક કરાર થયો છે કે નહીં અથવા ભવિષ્યના કાર્યક્રમો શું રહેશે, તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
પ્રાણલાલ ભોગીલાલ કલેક્શનના સંરક્ષક બ્રિજેશ ચીનાઈએ જણાવ્યું હતું કે આ સહયોગ ભારતની સમૃદ્ધ મોટરિંગ હેરિટેજને આંતરરાષ્ટ્રીય સ્તરે મળી રહેલી વધતી ઓળખ દર્શાવે છે. સાથે જ ઐતિહાસિક મહત્વ ધરાવતી કારોના સંરક્ષણ, અભ્યાસ અને ઉજવણી દ્વારા ભારત અને ફ્રાન્સ વચ્ચેના લાંબા સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.

