- કોરિ હૌજેએ પોલીસથી બચવા કાર દોડાવી, અકસ્માત બાદ રેસ્ટોરન્ટમાંથી ભાગી ગ્રાહકની કાર છીનવવાનો પ્રયાસ કર્યો
- સીસીટીવી અને સર્વેલન્સ વીડિયોના આધારે શંકાસ્પદ વાહનની ઓળખ થઈ
અમેરિકાના ટેનેસી રાજ્યના જૅક્સન શહેરમાં ગુજરાતી વેપારી સુરેશ પટેલની હત્યાના કેસમાં પોલીસે એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. 56 વર્ષીય સુરેશ પટેલની 20 ઓગસ્ટની રાત્રે સશસ્ત્ર લૂંટ દરમિયાન તેમની લીકર શોપમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે કોરિ હૌજ નામના શંકાસ્પદ આરોપીની 23 ઓગસ્ટની બપોરે નાટકીય કાર ચેઝ બાદ ઝડપી લીધો હતો. પોલીસને તેના વાહનમાંથી બંદૂક, કપડાં અને ગુનાના સમયે પહેરવામાં આવેલા વસ્ત્રો સાથે મેચ થતા માસ્ક સહિતના મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કર્યા છે.
જૅક્સન પોલીસના ફેસબુક પર જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 23 ઓગસ્ટની બપોરે પોલીસ કોરિ હૌજનો પીછો કરી રહી હતી. આ દરમિયાન હૌજની સેડાન કાર ક્રિસમસવિલ રોડ પર આવેલા બર્ગર કિંગ આઉટલેટની બહાર કાર સાથે અથડાઈ હતી. આ સ્થળ રિજક્રેસ્ટ રોડ પર આવેલા ઘટનાસ્થળથી લગભગ 2.5 કિલોમીટર દૂર છે.
કારનો અકસ્માત થયા બાદ હૌજેએ રેસ્ટોરન્ટના પાછળના દરવાજેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પાર્કિંગમાં એક વ્યકિતની કાર છીનવીને ભાગવાનો પણ તેણે પ્રયાસ કર્યો હતો. જોકે, તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
કોરિ હૌજ સામે હત્યા, ગંભીર લૂંટ અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસે તેની કારમાંથી એક બંદૂક, કપડાં અને માસ્ક જપ્ત કર્યા હતા.
સુરેશ પટેલની હત્યા બાદ જૅક્સન પોલીસે ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને બ્યુરો ઑફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સની (ATF) સાથે મળીને તપાસ શરૂ કરી હતી. તપાસના ભાગરૂપે આસપાસના વેપારી મથકો અને રહેણાંક વિસ્તારોમાંથી સીસીટીવી તથા અન્ય સર્વેલન્સ વીડિયો મેળવવામાં આવ્યા હતા.
જૅક્સન પોલીસે જણાવ્યું હતું કે મળેલા વીડિયો અને ફ્લોક (Automated License Plate Reader) કેમેરામાંથી મળેલી માહિતીના આધારે બ્યુઇક લ્યુસર્નને સંભવિત શંકાસ્પદ વાહન તરીકે ઓળખવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન કોરિ હૌજ સંભવિત શંકાસ્પદ તરીકે સામે આવ્યો હતો. રવિવાર, 23 ઓગસ્ટે બપોરે 1.30 વાગ્યા બાદ જૅક્સન પોલીસ, એફબીઆઇ અને એટીએફની ચીમોએ હૌજને તેની બ્યુઇક લ્યુસર્ન કાર ચલાવતો શોધી કાઢ્યો હતો. અધિકારીઓએ અગાઉના એક બાકી વોરંટના આધારે હૌજને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે હૌજે ઝડપથી કાર ચલાવીને પોલીસથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની સુરેશ પટેલ 20 ઓગસ્ટની રાત્રે પોતાની દુકાન રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સમાં કામ કરી રહ્યા હતા. તે સમયે માસ્ક પહેરેલો એક બંદૂકધારી દુકાનમાં ઘૂસી આવ્યો હતો.
જૅક્સન પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું તેણે ત્યાં કામ કરતા ત્રણ કર્મચારીઓ પાસેથી પૈસાની માગણી કરી હતી. કર્મચારીઓએ બંદૂકધારીને પૈસા આપી દીધા તે પછી તે સુરેશ પટેલને અનેક ગોળી મારી અને દુકાનમાંથી ભાગી ગયો હતો. ઘટના સમયે દુકાનમાં અંદર હાજર લોકોમાં સુરેશ પટેલની 19 વર્ષની પુત્રી પણ સામેલ હતી.
સુરેશ પટેલ આશરે 30 વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા. અગાઉ તેઓ શિકાગોમાં લીકર શોપ ચલાવતા હતા. ત્યારબાદ તેમણે જૅક્સન શહેરમાં આવેલી રિજક્રેસ્ટ સેલર્સ દુકાનનો વ્યવસાય સંભાળ્યો હતો. તેમની હત્યા થઇ તેના માત્ર એક અઠવાડિયા પહેલાં જ તેમણે આ શોપ સંભાળી હતી.
સુરેશ પટેલ છ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના તમામ ભાઈઓ અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના માતા-પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. સુરેશ પટેલના પરિવારમાં હવે તેમના ભાઈ-બહેનો સહિતના પરિવારજનો છે.

