- ચાર્જશીટ તો દાખલ થઈ, પરંતુ એફએસએલ રિપોર્ટ જ નહોતો
- એફએસએલ રિપોર્ટ વિના આલ્કોહોલનું પ્રમાણ કાયદેસર રીતે સાબિત ન થઈ શક્યું
- લોહીના નમૂના ફોરેન્સિક લેબ સુધી પહોંચ્યા કે નહીં તે પણ સ્પષ્ટ ન થયું
ગુજરાતમાં દારૂ પીધાના આરોપસર નોંધાયેલા અનેક કેસોમાં પોલીસની તપાસ પ્રક્રિયામાં ગંભીર ખામી સામે આવી છે. ધોરાજીની કોર્ટમાં જુલાઈ મહિનામાં દારૂ પીધાના આરોપસર પકડાયેલા ઓછામાં ઓછા 80 લોકોને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા.
કારણ કે પોલીસે તેમની સામે સૌથી મહત્વનો પુરાવો ગણાતો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો (એફએસએલ) રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નહોતો. કોર્ટે જણાવ્યું હતું કે લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કાયદામાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયા વિના દોષિત ઠેરવી શકાય નહીં.
મોટાભાગના કેસોમાં ચાર્જશીટ દાખલ થયાના દિવસે જ અથવા થોડા દિવસોમાં જ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી. પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ વી. કે. બંસલે જુલાઈ મહિનામાં આવા ઓછામાં ઓછા 80 કેસોનો નિકાલ કર્યો હતો. તેમાં એક જ દિવસે 40થી વધુ કેસોમાં સમાન પ્રકારની નોંધ સાથે ચુકાદા આપવામાં આવ્યા હતા.
કોર્ટએ નોંધ્યું હતું કે આરોપીઓને દોષિત ઠેરવવા માટે કાયદેસર રીતે સ્વીકાર્ય એવો પુરાવો રજૂ કરવો જરૂરી હતો, જેમાં આરોપીના લોહીમાં આલ્રોકોહલનું પ્રમાણ 0.05 ટકાથી વધુ હોવાનું સ્પષ્ટ દર્શાવતું હોય.
પરંતુ ચાર્જશીટ સાથે આવા કોઈ પણ કેસમાં એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ અધિકારીઓની ફરજ હતી કે તેઓ ફોરેન્સિક લેબોરેટરીમાંથી જરૂરી રિપોર્ટ મેળવી લે અને ત્યારબાદ જ ચાર્જશીટ દાખલ કરે. જોકે, રિપોર્ટ મળ્યા વિના ઉતાવળમાં ચાર્જશીટ દાખલ કરવાના કારણે કેસ નબળા પડી ગયા હતા.
અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે. વી. જોશીએ જણાવ્યું હતું કે ફરજિયાત એફએસએલ રિપોર્ટ વિના કોર્ટ કેસનું સંજ્ઞાન લઈ શકતી નથી, તેથી 80 કેસોનો નિકાલ કરવો પડ્યો. પોલીસે ચાર્જશીટ દાખલ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ. તપાસ દરમિયાન યોગ્ય પ્રક્રિયા અને પુરાવા એકત્રિત કરવા પર ધ્યાન આપવું જરૂરી છે,
કોર્ટએ વધુમાં નોંધ્યું હતું કે લોહીના નમૂના ખરેખર ફોરેન્સિક લેબોરેટરી સુધી પહોંચ્યા હતા કે નહીં અને તેઓ ફરજિયાત પ્રક્રિયા મુજબ સાચવવામાં, હેન્ડલ કરવામાં અને પરીક્ષણ કરવામાં આવ્યા હતા કે નહીં તે નક્કી કરવું પણ શક્ય બન્યું નહોતું.
નિયમ મુજબ, દારૂ પીધાની શંકાના આધારે પકડાયેલા વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં ડોક્ટર લોહીનો નમૂનો લે છે. ત્યારબાદ તે નમૂનો ગાંધિનગર સ્થિત એફએસએલમાં મોકલવામાં આવે છે અને નમૂનો લેવામાં આવ્યા બાદ સાત દિવસની અંદર ટેસ્ટ માટે પહોંચાડવો ફરજિયાત છે.
લોહીના નમૂનાઓના સંગ્રહ, પરિવહન અને ટેસ્ટ સંબંધિત તમામ સુરક્ષા જોગવાઈઓનું કડક પાલન કરવું જરૂરી છે, જેથી નમૂનામાં કોઈ પ્રકારની ચેડાં, પ્રદૂષણ અથવા બગાડ ન થાય અને ટેસ્ટના પરિણામો પર તેની અસર ન પડે.

