Dailyhunt
ગૌતમ અદાણીએ પરિવાર સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં દર્શન કર્યા, શ્રી નિશુલ્ક ગુરુકુલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી

ગૌતમ અદાણીએ પરિવાર સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં દર્શન કર્યા, શ્રી નિશુલ્ક ગુરુકુલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી

  • ભગવાન રામના આદર્શોને દેશના ભવિષ્ય માટે માર્ગદર્શક હોવાનું જણાવ્યું
  • અદાણી ફાઉન્ડેશન ગુરુકુળમાં એઆઈ લેબ સ્થાપિત કરવામાં સહયોગ આપશે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે હનુમાન જયંતીના દિવસે પરિવાર સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને બાદમાં ઐતિહાસિક ગુરુકુળની મુલાકાત લીધી હતી.


ગૌતમ અદાણીએ પત્ની ડૉ પ્રીતિ અદાણી, પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધી અદાણી સાથે શ્રી રામ મંદિર ખાતે પ્રાર્થના કરી હતી.

ભગવાન રામના જન્મસ્થળ પર આવેલું આ મંદિર આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિની સતત પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે.

હનુમાન જયંતિના દિવસે શ્રી રામના દર્શન અને મુલાકાતને ગૌતમ અદાણીએ ખૂબ જ વ્યક્તિગત અને ભાવનાત્મક ક્ષણ ગણાવીને જણાવ્યું કે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ ભારતની એકતા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિનું પ્રતિક છે. તેમણે ભગવાન રામના આદર્શો જેમ કે પ્રામાણિકતા, કર્તવ્ય અને સેવા દેશના ભવિષ્ય માટે માર્ગદર્શક હોવાનું જણાવ્યું.

મંદિર મુલાકાત બાદ તેઓ પરિવાર સાથે શ્રી નિશુલ્ક ગુરુકુલ મહાવિદ્યાલય ગયા હતા જે મંદિરથી લગભગ 10 મિનિટના અંતરે આવેલું છે. 1935માં સ્વામી ત્યાગાનંદજી દ્વારા સ્થાપિત આ સંસ્થા આર્ય સમાજના સિદ્ધાંતો પર આધારિત છે. અહીં પરંપરાગત ગુરુકુલ પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીઓ રહીને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરે છે.

ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી અને શિસ્ત, મૂલ્યો અને જિજ્ઞાસા સાથે ચાલતી શિક્ષણ પદ્ધતિને નજીકથી જાણી હતી. તેમણે જણાવ્યું કે મૂલ્યો આધારિત શિક્ષણ માત્ર વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યને ઘડે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશ જ્યારે એઆઈ આધારિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે પરંપરાગત જ્ઞાનને જાળવવું એટલું જ જરૂરી છે.

તેમણે જાહેરાત કરી કે અદાણી ફાઉન્ડેશન ગુરુકુલમાં એઆઈ આધારિત લેબ સ્થાપિત કરવામાં સહયોગ આપશે જેથી પરંપરા અને ટેકનોલોજીનું સંકલન થઈ શકે. લગભગ 200 વિદ્યાર્થીઓ ધરાવતા આ ગુરુકુલમાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. કેમ્પસમાં ગૌશાળા પણ છે જે સાંસ્કૃતિક અને ગ્રામ્ય જીવન સાથે જોડાણ દર્શાવે છે. આ સંસ્થાની મુલાકાત મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ લીધી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત શ્લોકોના પાઠ દરમિયાન સમગ્ર કેમ્પસમાં ગુંજતા સ્વરો વચ્ચે ગૌતમ અદાણીએ શિક્ષણની આ અનોખી પદ્ધતિનો અનુભવ કર્યો. તેમણે સેવા વિશે વાત કરતાં કહ્યું કે સેવા જીવનભરનું સમર્પણ છે. એક ફિલસૂફી જેને તેઓ ઘણીવાર "સેવા હી સાધના હૈ" તરીકે વર્ણવે છે, જ્યાં સેવા એ કોઈ કાર્ય નથી પરંતુ સમાજ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતા છે.

ગૌતમ અદાણી ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલા છે અને તેમણે પ્રયાગરાજમાં મહા કુંભ મેળા અને પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની મુલાકાત લીધી હતી. તેઓ ભારતના ઇતિહાસ, ભાષા અને સંસ્કૃતિના અભ્યાસને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vibes of India Gujarati